ભાઇ સાથે વાત કરતાં ૧૯ વર્ષના યુવાનનું ઢળી પડયા બાદ મોત
મોભા અને ગોત્રીમાં પણ બે યુવાનો ચક્કર આવ્યા બાદ મોતને ભેટયા
વડોદરા, તા.29 વડોદરા શહેર અને જિલ્લામાં અચાનક ચક્કર આવ્યા બાદ જમીન પર ફસડાઇ ગયેલા ત્રણ નવયુવાનોનાં મોત નિપજ્યાં હતાં.
આ અંગેની વિગત એવી છે કે મુળ બિહારનો વતની પરંતુ હાલ ભાયલીમાં શ્યામલ આર્કેડ રેસિડેન્સીમાં રહેતા કિસુદેવ ખુશીલાલ મહંતો કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેનો નાનો ભાઇ સંતોષકુમાર (ઉ.વ.૧૯) નાસિકમાં બીએસસીની પરીક્ષા આપીને મોટાભાઇના ઘેર આવ્યો હતો. સવારે સંતોષકુમાર તેના મોટાભાઇ સાથે ભાયલી ખાતે નવી બંધાતી સાઇટ ટોરેંટો બિલ્ડિંગ ખાતે ગયો હતો અને આ સાઇટ પર સિક્યુરિટિ કેબિનની બાજુમાં બંને ભાઇઓ વાત કરતાં હતા તે વખતે સંતોષકુમારને અચાનક ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ફસડાઇ ગયો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ડોક્ટરોના અભિપ્રાય મુજબ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે તેમ છતાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેરા લેવામાં આવ્યા છે.
અન્ય બનાવમાં પાદરા તાલુકાના મોભા ગામે મીરા બ્રિક્સમાં કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન બબલુ ખંધારી કશ્યપ (ઉ.વ.૨૫) બપોરના સમયે ઓરડીમાંથી બહાર નીકળતો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તે ઢળી પડયો હતો અને તેને વડુની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત મૂળ બિહારનો ૩૧ વર્ષનો લાલુપ્રસાદ હેમંતભાઇ ઠાકુર ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ગોત્રી બંસલ મોલ સામે શિવાંજલી સોસાયટી પાછળ કોટિયા ટ્રિનિટિ પાસે કારપેન્ટરનું કામ કરતા અચાનક તેને ચક્કર આવતા નીચે પટકાયો હતો. તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.