ઘરના સભ્યો નોકરી પર ગયા અને યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
૧૯ વર્ષના યુવાને પ્રેમ પ્રકરણ કે અન્ય કોઇ કારણસર જીવન ટૂંકાવ્યું તે અંગે તપાસ
વડોદરા, તા.24 મંજુસરમાં એક મકાનમાં ભાડેથી રહેતા એક નવયુવાને રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક ટીમલા ગામનો મૂળ વતની પરંતુ હાલ મંજુસરમાં પરાવાળી ખડકીમાં ભાઇ-ભાભી સાથે સંયૂક્ત કુંટુંબમાં રહેતો પારસીંગ હાબુભાઇ રાઠવા (ઉ.વ.૧૯) તા.૨૨ની રાત્રે મંજુસર ખાતેની કંપનીમાં નોકરી પર ગયો હતો અને બીજા દિવસે સવારે તે નોકરી પરથી પરત ફર્યો હતો જ્યારે ઘરના અન્ય સભ્યો પારસીંગને ઘરમાં રાખી નોકરી પર ગયા હતાં.
સાંજના સુમારે જ્યારે પારસીંગના ભાઇ અને ભાભી સહિતના સભ્યો નોકરી પરથી ઘેર પરત ફર્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો જેથી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી ગઇ હતી અને દરવાજો ખોલીને તપાસ કરતાં દોરીથી પારસીંગે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું. પોલીસે યુવાનની લાશને નીચે ઉતારી પીએમ માટે મોકલી દીધી હતી જ્યારે પોલીસે યુવાને પ્રેમ પ્રકરણ કે અન્ય કોઇ કારણોસર આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.