ચાર મિત્રો નાહવા માટે ગયા હતાં ધોરણ-૯નો વિદ્યાર્થી નર્મદા માઇનોર કેનાલમાં ડૂબી ગયો
કેનાલના તૂટી ગયેલા સળિયામાં ફસાઇ ગયેલી લાશ મળી
વડોદરા, તા.17 વડોદરાના વીઆઇપીરોડ પર રહેતો ધોરણ-૯નો વિદ્યાર્થી તેમજ અન્ય ત્રણ મિત્રો વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ખાતે નર્મદા માઇનોર કેનાલમાં નાહવા માટે ગયા બાદ ડૂબી ગયેલા એક વિદ્યાર્થીની લાશ આજે સવારે મળી હતી.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વીઆઇપીરોડ પર અયોધ્યાનગર ખાતે રહેતા મૂળ બોડેલી તાલુકાના રાજપરી ગામના અનિલ વિરસિંગ બારિયાનો ૧૭ વર્ષનો પુત્ર કરણ ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે શાળામાં અડધા દિવસની રજા હોવાથી બપોરે તે ઘેરથી બાઇક લઇને અન્ય ત્રણ મિત્રો સાથે મોરલીપુરા ગામે નર્મદા કેનાલમાં નાહવા માટે ગયો હતો.
બપોરે કરણ કેનાલમાં નાહવા માટે ઉતર્યો હતો આ સાથે જ તણાવા લાગ્યો હતો જેથી તેના મિત્રોએ બૂમાબૂમ કરતાં ગ્રામજનો દોડી આવ્યા હતા જ્યારે મિત્રોએ કરણના પિતાને ફોનથી જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જો કે કેનાલમાં શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે સવારે સાડા દશ વાગે કેનાલના બહાર આવી ગયેલા સળિયા પાસે કરણની અટકી ગયેલી લાશ મળી હતી. આ અંગે જરોદ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.