મહી નદીમાં ડૂબેલા વડોદરાના યુવાનની ત્રીજા દિવસે લાશ મળી
એક મિત્રની બે દિવસે લાશ મળી હતી ઃ મૃતક ધર્મેશ બે બહેનોનો એકનો એક ભાઇ હતો
વડોદરા, તા.10 વડોદરા નજીક લાંછનપુરા ગામે નાહવા ગયા બાદ મહી નદીમાં ડૂબેલા વડોદરા શહેરના બે મિત્રો પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બીજા મિત્રનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો હતો.
ન્યુવીઆઇપીરોડ ખાતે સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઇ વાઘેલા (ઉ.વ.૨૬) અને તેનો મિત્ર દિપક કુશ્વાહ ત્રણ દિવસ પહેલાં બાઇક પર લાંછનપુરા ગામેથી પસાર થતી મહી નદીમાં નાહવા ગયા હતા. જે દરમિયાન બંને ડૂબી જતાં તેમની શોધખોળ કરવા સ્થાનિક તરવૈયાઓ ઉપરાંત એનડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
બંને મિત્રો તેમના પરિવારના એકના એક પુત્ર હતા.જે પૈકી દિપક કુશ્વાહના લગ્ન તો એક મહિના પહેલાં જ થયા હતા.ગઇકાલે ફરીથી બંનેની શોધખોળ કરવામાં આવી તે દરમિયાન એનડીઆરએફને દિપકનો મૃતદેહ જીવલેણ ધરામાંથી હાથ લાગ્યો હતો. ધર્મેશને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા આખો દિવસ શોધ કરવામાં આવી હતી.પરંતુ સાંજ સુધી તેનો પત્તો મળ્યો નહતો. દરમિયાન ત્રીજા દિવસે જ્યાં સૌથી વધુ ડૂબેલ વ્યક્તિઓની લાશ મળે તે સ્થળેથી ધર્મેશની પણ લાશ મળી હતી. ઉલ્લેખનીય છે કે ધર્મેશ બે બહેનોનો એકનો એક ભાઇ હતો.