વડોદરાવાસીઓ માટે બુલેટ ટ્રેનની કામગીરી બની માથાનો દુખાવો : ખોદકામની પીળી માટી વરસાદના પાણી સાથે નવા યાર્ડમાં ફેલાતા લોકો પરેશાન
Vadodara News : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ પાસે બુલેટ ટ્રેનનું કામકાજ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જ્યારે બીજી બાજુ થતા ખોદકામ વખતે નીકળતી ચીકણી પીળી માટીવાળું પાણી કોઈપણ જાતની મંજૂરી વિના છોડવામાં આવે છે. જે આજુબાજુની વસાહતમાં ઘૂસી ગયા છે. વરસાદની સિઝનમાં આ પાણી વરસાદી પાણી સાથે ભળીને નવા યાર્ડ શંકરવાડી વિસ્તારમાં ફેલાઈ જવાથી આ જગ્યાએથી ચીકણી પીળી માટીવાળું પાણી વરસાદી પાણી સાથે મિક્સ થઈને આસપાસના સોસાયટી વિસ્તારમાં ફેલાઈ જતું હોવાથી પસાર થતાં સ્થાનિકો સહિત અન્ય રાહદારીઓ લપસીને પડી જવાના અનેક બનાવો બનતા કેટલાય લોકોને ઈજા થતાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનિય છે કે, શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા શાસ્ત્રી બ્રિજ પાસે બુલેટ ટ્રેનનું કામકાજ યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહ્યું છે. જ્યારે નવા યાર્ડ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં લોકો રહે છે. બુલેટ ટ્રેનના ચાલતા કામકાજ દરમિયાન કેટલીક જગ્યાએ ખોદકામ પણ ચાલે છે જ્યાંથી ખોદકામ દરમિયાન ભીની પીળી ચીકણી માટી નીકળે છે. આ ચીકણી ભીની પીળી માટી વિસ્તારમાં મંજૂરી વિના નાખવામાં આવે છે. જ્યારે બીજી બાજુ હાલમાં ચાલતી વરસાદી સિઝનના કારણે ભીની ચીકણી માટી સાથે વરસાદનું પાણી મિક્સ થતા ચીકણી પીળી માટી નવા યાર્ડ વિસ્તારમાં ઠેક ઠેકાણે પ્રસરી જાય છે. ચીકણી માટીવાળું પાણી વિસ્તારની શંકરવાડી સહિત આસપાસના વિસ્તારમાં પ્રસરી જતા અનેક સ્થાનિક લોકો સહિત કેટલાય રાહદારીઓ ભીની ચિકણી માટી ફેલાઈ જવાના કારણે લપસીને પડવાના કેટલાય બનાવ બન્યા છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ચીકણી પીળી માટી વિસ્તારમાં નાખી દેવાના વિરોધ સાથે તપાસની માંગ કરી છે.