સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ
ગાંધીનગર નજીક આવેલા પીપળજમાં પાંચ વર્ષ અગાઉ
ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો : આરોપીને ૧૪ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પીપળજ ગામમાં પાંચ વર્ષ અગાઉ સગીરાનુ અપહરણ કરીને યુવાન દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પીપળજ
ગામમાં રહેતી સગીરાનું ગત ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ પેથાપુર ગામના યુવાન મહેશ ઉર્ફે
અનિલ ઉર્ફે ગટ્ટી છનાજી ઠાકોર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સગીરાને અલગ
અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જે સંદર્ભે
પેથાપુર પોલીસ મથકમાં સગીરાના પિતા દ્વારા યુવાન સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો. જે કેસ જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ
જજ શ્રી એસ.ડી મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા
દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ
વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ
બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો
આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જેના પગલે આરોપીને
કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ
દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મહેશ ઉર્ફે અનિલ ઉર્ફે ગટ્ટી છનાજી ઠાકોરને બળાત્કાર
અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૧૪ હજાર
રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.