વિસર્જન સ્થળ સુધી મ્યુઝિક સિસ્ટમ સાથે વિસર્જન યાત્રા જઇ શકશે નહીં
આજથી શરૃ થનારા વિસર્જનને અનુલક્ષીને નો પાર્કિંગ અને નો એન્ટ્રી
વડોદરા,ગણેશ વિસર્જનની યાત્રાઓને અનુલક્ષીને પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ કૃત્રિમ તળાવ સુધી ડી.જે. અને મ્યુઝીક સિસ્ટમ લઇ જવા પર પોલીસે મનાઇ ફરમાવી છે.
શહેરમાં ૭ મી તારીખથી શરૃ થયેલા ગણેશોત્સવમાં સંખ્યાબંધ સ્થળે શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ભક્તજનોમાં અલગ - અલગ દિવસે વિસર્જન કરતા હોય છે. જેમાં મુખ્યત્વે ૧૦ મા દિવસે વિસર્જન હોય છે. આ ઉપરાંત પાંચમા અને ૭ મા દિવસે પણ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતું હોય છે. આગામી ૧૧,૧૩,૧૫ અને ૧૬ મા દિવસે વિસર્જનના કારણે ટ્રાફિક અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ તમામ તારીખોએ સવારે ૯ વાગ્યાથી વિસર્જન પૂરૃં થાય ત્યાં સુધી ચાર દરવાજા, લહેરીપુરા, બરોડા ઓટોમોબાઇલ, શ્રેયસ સ્કૂલથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા, મહારાણી નર્સિંગ હોમથી અકોટા બ્રિજ તેમજ સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી એકતા નગર અને ઇલોરાપાર્કથી ગોરવા દશામા તળાવ તરફના રસ્તા પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ ચાર દરવાજા વિસ્તાર તરફ આવતા તમામ રસ્તાઓ, સમા લિંગ રોડથી કૃત્રિમ તળાવ, લેપ્રેસી ગ્રાઉન્ડ કૃત્રિમ તળાવ,ખોડિયાર નગર કૃત્રિમ તળાવ તથા લાલબાગ બ્રિજ તરફ તેમજ માંજલપુર કૃત્રિમ તળાવ તરફ વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
અલગ - અલગ વિસ્તારોમાંથી આવતી વિસર્જન યાત્રાઓ માટે કૃત્રિમ તળાવ સુધી ડી.જે. સિસ્ટમ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.અલગ - અલગ તળાવ તરફ જતી વિસર્જન યાત્રાઓ માટે દૂર જ ડી.જે. સિસ્ટમ છોડીને આગળ વધવા માટે જણાવવામાં આવ્યું છે.