ચારધામ યાત્રાની વ્યવસ્થા ખોરવાઇઃયમુનોત્રી જતા વડોદરાના યાત્રીઓનું પોલીસ અને સ્થાનિકો સાથે ઘર્ષણ
આઠ કલાક અટવાયેલા યાત્રીઓએ રોડ બ્લોક કરી તમામ અવરજવર બધ કરાવતા પોલીસ કૂણી પડી
વડોદરાઃ ચારધામની યાત્રા દરમિયાન ઠેકઠેકાણે ટ્રાફિક જામ થતાં વ્યવસ્થા ખોરવાઇ છે.દહેરાદૂન નજીક વડોદરાના યાત્રીઓની ત્રણ બસો તેમજ અન્ય ગુજરાતી યાત્રીઓ ફસાઇ જતાં પોલીસ સાથે ઘર્ષણ કરીને આગળ વધ્યા હતા.
ચારધામની યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોવા છતાં અંધાધૂંધી સર્જાઇ છે.જેને કારણે અનેક સ્થળોએ લાંબો જામ સર્જાયો છે અને યાત્રીઓને કલાકો સુધી અટવાઇ જવાનો વખત આવ્યો છે.
વડોદરાથી ત્રણ બસો લઇને હરિદ્વાર પહોંચેલા યાત્રીઓને દહેરાદૂનથી આગળ નવાપુરા ગામ પાસે પોલીસે રોકી દેતાં તેઓ કલાકો સુધી ફસાયા હતા.આ યાત્રીઓ પહેલાં અંકલેશ્વર તેમજ સુરતના યાત્રીઓના વાહનો આઠ કલાકથી રોકાયેલા હોવાથી યાત્રીઓમાં ભારે રોષ હતો.
વડોદરાના યાત્રીઓએ કહ્યું કે,અમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં નહિં જવા દેતાં પોલીસનો વિરોધ કર્યો હતો.અમે ૫૦ કિમી જેટલું અંતર કાપી દીધું હતું અને ૭૦ કિમી જેટલું અંતર બાકી હતું.આમ છતાં પોલીસ અમને પાછા ઋષિકેશ જવા માટે આગ્રહ કરતી હતી અને વાહનોને જવા દીધા નહતા.જેથી સૂત્રોચ્ચાર કરી રસ્તો બ્લોક કરી દેતાં સ્થાનિક વાહનો પણ અટવાયા હતા અને તેઓ પણ અમારી સાથે બોલાચાલીમાં ઉતર્યા હતા.આખરે આઠ કલાકે પોલીસે નમતું મૂકી તમામ યાત્રીઓને જવા દીધા હતા.
યાત્રીઓએ કહ્યું,કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં,આવો અનુભવ નહિં થાય
ગુજરાતના યાત્રીઓની દહેરાદૂન પોલીસ અને ત્યાંના સ્થાનિક રહીશો સાથે ખાસ્સી એવી બોલાચાલી થતાં ઉશ્કેરાટભર્યો માહોલ સર્જાયો હતો.
વડોદરાના કિરણભાઇ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,અમારી દલીલ એક જ હતી કે અમે સરકારના નિયમો મુજબ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો પછી શા માટે રોકવામાં આવી રહ્યા છે.જો આગળ જવાય તેવી સ્થિતિ નહતી તો હરિદ્વારથી આગળ કેમ વધવા દીધા.હવે ૫૦ કિમી પાછા જઇને બીજા રસ્તેથી યમનોત્રી ક્યારે પહોંચીશું.
આ તબક્કે ચડભડ દરમિયાન કેટલાક લોકોએ ગુજરાતમાં આવો,તમને આ પ્રકારનોે અનુભવ નહિં થાય અને લોકો સેવા પણ કરશે તેમ કહી કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં..કહેતાં પોલીસ અધિકારીઓ કૂણા પડયા હતા.