દિપકપુરા પ્રા. શાળાના આચાર્ય વિરૂદ્ધ ફોજદારી પગલાં લેવા લેખિત ફરિયાદ
જર્જરિત શાળાની છતના પોપડા પડવા બાબતે
જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડી જીવનું જોખમ ઉભું કર્યું હોવાની જિલ્લા કલેક્ટરને રજૂઆત
આણંદ: ઠાસરા તાલુકાના પિપલવાડા પે.સેન્ટરની દીપકપુરા પ્રાથમિક શાળામાં જર્જરિત છતના પોપડા પડવાથી વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જે અંગે એક અઠવાડિયુ વિતવા છતાં આચાર્ય સામે ગુનો દાખલ કરવામાં ના આવતા વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સહિત પ્રાથમિક શિક્ષણ નિયામક, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં આચાર્યને તાત્કાલિક ધોરણે અન્યત્ર બદલી કરવાની સાથે જાણકારી હોવા છતાં જર્જરિત ઓરડામાં બાળકોને બેસાડીને જીવનું જોખમ ઉભુ થતાં ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ અંગે જિલ્લા કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, પીપલવાડા પે સેંટરની દીપકપુરા પ્રાથમિક શાળામાં તા.૨૧ માર્ચ ૨૦૨૪ના રોજ ધાબાના છતમાંથી પોપડા પડવાથી બાળકોને માથાના ભાગમાં ઇજા થઈ હતી. આ શાળાનું મકાન જર્જરિત થયેલું છે તેવો રિપોર્ટ ટીઆરપી દ્વારા આપેલો હોવા છતાં વિદ્યાર્થીઓને જર્જરિત ઓરડામાં બેસાડેલા હતા. આ જર્જરિત રૂમમાં પહેલા કાર્યાલય હતું તે ખસેડી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં શાળાના આચાર્ય વિક્રમભાઈ ઠાકોર શાળાની અનેક જવાબદારીઓ નિભાવતા ના હોવાનો તથા નિયમિત હાજર રહેતા ના હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત બાળકોને અન્ય શિક્ષકો દવાખાને લઈ ગયા હતા પરંતુ બાળકોને ડોકટરને બતાવ્યા વગર અને કેશ કઢાવ્યા વગર બારોબાર દવા ગોળીઓ લઈ નીકળી ગયા હોવાની રજૂઆત કરી હતી. જેથી ગ્રામજનોએ આચાર્યની અન્ય તાલુકાની શાળામાં બદલી કરવા તેમજ ફોજદારી ગુનો દાખલ કરવા લેખિત માંગ કરી છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી છે.