મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી પહેલાં લોકાર્પણ કરેલ પાલેજ-નારેશ્વરરોડ પર લોકાર્પણના ત્રણ માસમાં જ ઠેરઠેર ખાડા પડી ગયા

રૃા.૩૩.૭૫ કરોડનો ખર્ચ સરકારને માથે પડયો ઃ હલકી કક્ષાની કામગીરીથી રોડ પરના ગામોના લોકો હેરાન-પરેશાન

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી પહેલાં લોકાર્પણ કરેલ પાલેજ-નારેશ્વરરોડ પર લોકાર્પણના ત્રણ માસમાં જ ઠેરઠેર ખાડા પડી ગયા 1 - image

વડોદરા, તા.30 મુખ્યમંત્રી દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં રૃા.૩૩ કરોડના ખર્ચે તૈયાર થયા બાદ લોકાર્પણ કરાયેલા પાલેજ-નારેશ્વરરોડની હાલત માત્ર ત્રણ માસમાં જ ખરાબ થઇ ગઇ છે. આ રોડ પર ઠેરઠેર મોટા મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડની હલકી કામગીરી ફરીથી ઉજાગર થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે પાલેજથી નારેશ્વર વચ્ચે ૧૦ કિલોમીટર રોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. નેશનલ હાઇવે પરથી પવિત્ર યાત્રાધામ નારેશ્વર જવા માટે આ રોડનો ઉપયોગ લોકો કરતાં હોય છે પરંતુ યાત્રાળુઓની સંખ્યાના બદલે રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો અથવા ડમ્પરો મોટી સંખ્યામાં આ રોડ પરથી પસાર થતા હોય છે.  આ રોડ રેતી ભરેલા ડમ્પરો માટે જ બન્યો હોય તેમ લાગે છે.

પાંચ વર્ષ પહેલાં જ પાલેજથી નારેશ્વર વચ્ચેના રોડ માટે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો  હતો પરંતુ હલકી કક્ષાના રોડના કારણે રોડ તૂટી જતા ફરીથી કામ કરવાની ફરજ પડી હતી. પાલેજ અને નારેશ્વર વચ્ચેના ખખડી ગયેલા રોડના મજબૂતીકરણ તેમજ પહોળાઇ વધારવા માટે વડોદરાની એજન્સી શાંતિલાલ બી. પટેલને રૃા.૩૦.૩૮ કરોડનું કામ સપ્ટેમ્બર ૨૦૨૨માં સોંપાયું હતું. વર્કઓર્ડર અપાયાને એક વર્ષમાં કામ પૂરુ કરવાની શરત હતી પરંતુ સમયમર્યાદામાં કામ પૂર્ણ થયું ન હતું. હલકી કામગીરીના કારણે ઠેરઠેર ફરી ગાબડાં પડવા લાગ્યા હતાં.

રેતી ભરેલા ડમ્પરોની અવરજવર તેમજ  વરસાદના કારણે પાલેજથી પ્રવેશતા સાંસરોદ, સારિંગ, માંગલેજ, શનાપુરા પાસે આખે આખો રોડ ઉખડી જઇને મોટા ખાડા પડી ગયા છે. હોજ ગામ પાસે તો આખો રોડ જ બેસી ગયો છે. રૃા.૩૦.૩૮ કરોડના કામ સામે વધારાનો ખર્ચ થતાં કુલ રૃા.૩૩.૭૫ કરોડનો ખર્ચ થઇ ગયો હતો અને તાજેતરમાં રૃપિયાની ચૂકવણી પણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું  છે.




Google NewsGoogle News