સુરતમાં નોકરીએ જોડાયાના એક જ અઠવાડીયામાં કારીગરે રોકડા રૂ.3.50 લાખની ચોરી કરી
image : Freepik
- પોતાની પાસે રહેતી ચાવીથી ગોડાઉનનો પાછળનો દરવાજો ખોલી પ્રવેશી મેનેજર અને એકાઉન્ટન્ટની ઓફિસમાં ટેબલના ખાનામાંથી પૈસા ચોરતો કારીગર સીસીટીવી કેમેરામાં કેદ
- મોબાઈલ ફોન બંધ કરી દેતા મેનેજરે કારીગરના ઘરે જઈ તપાસ કરી તો લબરમુછીયો બે મહિનાથી ઘરે આવ્યો જ નહોતો
સુરત,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
સુરતના કાપોદ્રા કિરણ ચોક પાસે ઓનલાઈન સામાન લે-વેચની દુકાનમાં નોકરીએ જોડાયાના એક જ અઠવાડીયામાં લબરમુછીયો કારીગર પોતાની પાસે રહેતી ચાવીથી ગોડાઉનનો પાછળનો દરવાજો ખોલી પ્રવેશી મેનેજર અને એકાઉન્ટન્ટની ઓફિસમાં ટેબલના ખાનામાંથી રોકડા રૂ.3.50 લાખ ચોરી ફરાર થઈ જતા કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીયાધારના પરવડી ગામના વતની અને સુરતમાં મોટા વરાછા રાજશૈલી રેસિડન્સી બી/601 માં રહેતા 29 વર્ષીય પ્રશાંતભાઈ પ્રવિણભાઈ શિંગાળા કાપોદ્રા કિરણ ચોક પાસે નીલકંઠ પ્લાઝા પુષ્કર રેસિડન્સીની બાજુમાં ફોઈના દીકરા અતુલ વાઘાણીની દેવકી એન્ટરપ્રાઈઝ નામની ઓનલાઈન સામાન લે-વેચની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 મી ના રોજ એક ગ્રાહક મારફતે તેમણે શુભમ પ્રવીણભાઈ માંગુકીયા (ઉ.વ.19, રહે.ઘર નં.281, અશોક વાટીકા સોસાયટી, કાપોદ્રા, સુરત. મૂળ રહે.પચ્છે ગામ, તા.ગારીયાધાર, જી.ભાવનગર ) ને નોકરીએ રાખી ગોડાઉનમાં મૂક્યો હતો. ગત 16 મી ના રોજ પ્રશાંતભાઈ પોતાની ઓફિસે પહોંચ્યા તો ટેબલનું ખાનું તૂટેલું હતું અને તેમાં મુકેલા રૂ.2.70 લાખ નહોતા.થોડીવારમાં તેમના એકાઉન્ટન્ટ વિધિબેને પણ આવી તેમની ઓફિસમાં ટેબલના ખાનાનું લોક તોડી રૂ.70 હજારની ચોરી થયાની જાણ કરી હતી.
કુલ રૂ.3.50 લાખની ચોરી કોણે કરી તે જાણવા પ્રશાંતભાઈએ સીસીટીવી કેમેરા ચેક કર્યા તો 15મી ની રાત્રે 8.32 કલાકે શુભમ પોતાની પાસે રહેતી ચાવીથી ગોડાઉનનો પાછળનો દરવાજો ખોલી પ્રવેશી મેનેજર અને એકાઉન્ટન્ટની ઓફિસમાં ટેબલના ખાનામાંથી પૈસા ચોરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. તેનો ફોન બંધ હોય પ્રશાંતભાઈએ ઘરે જઈ તપાસ કરી તો શુભમ બે મહિનાથી ઘરે આવ્યો જ નહોતો. આ અંગે પ્રશાંતભાઈએ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં શુભમ વિરુદ્ધ નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.