Get The App

વડોદરાના પૂર્વ વિસ્તારમાં ત્રણ બ્રિજની કામગીરીમાં નડતર રૂપ 66 કેવી હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
વડોદરાના પૂર્વ વિસ્તારમાં ત્રણ બ્રિજની કામગીરીમાં નડતર રૂપ 66 કેવી હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક લાઈન અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ 1 - image


- અંડરગ્રાઉન્ડ કેબલ લાઈન માટે હાલ જેટકો દ્વારા થઈ રહેલું ખોદકામ

- દોઢ બે મહિનામાં લાઈનની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા

વડોદરા,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તા પર સરદાર એસ્ટેટ જંકશન પર અને ખોડીયાર નગર જંકશન પર ઓવરબ્રિજ બનાવવાની છે, અને આ માટેના ટેન્ડર પણ આવી ચૂક્યા છે. હાલ બ્રિજ બનાવતા પૂર્વે કામગીરીમાં નડતરરૂપ 66 કેવીની હાઈટેન્શન ઈલેક્ટ્રીક લાઈન અંગે કામગીરી જેટકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ લાઈન અંડર ગ્રાઉન્ડ કરવામાં આવશે. હાલ આ માટે ખોદકામની કામગીરી ચાલુ છે. દોઢ બે મહિનામાં લાઈનનું કાર્ય પૂર્ણ થાય તેવી સંભાવના છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વડોદરામાં છ જંકશન ઉપર ફ્લાય ઓવર બનાવવાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, અને સી.આર.આર.આઈની ભલામણ અનુસાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2019-20 ની 270 કરોડની ગ્રાન્ટમાંથી જે પાંચ બ્રિજ બનાવવાના છે તેમાં 64.77 કરોડના ખર્ચે વૃંદાવન બ્રિજ, 66.83 કરોડના ખર્ચે સરદાર એસ્ટેટ બ્રિજ અને 78.77 કરોડના ખર્ચે ખોડીયાર નગર જંકશન બ્રિજનો પણ સમાવેશ થાય છે. બ્રિજની કામગીરીમાં વૃંદાવન ચાર રસ્તાથી ખોડીયાર નગર ચાર રસ્તા રાજીવ નગરના નાળા સુધી રોડની મધ્યમાંથી પસાર થતી 66 કેવીની હાઈટેન્શન ઈલેક્ટ્રીક લાઈન બ્રિજની કામગીરીમાં નડતર રૂપ હોવાથી તેને શિફ્ટ કરવા કોર્પોરેશન દ્વારા જેટકો વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, અને તેણે આ કામગીરી માટે 15.30 કરોડનો ખર્ચનો અંદાજ પણ રજૂ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા આ માટેના રૂપિયા પણ ભરી દેવામાં આવ્યા છે, તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશનને ઇલેક્ટ્રિક લાઈન ઉપરાંત ડ્રેનેજ ગ્રેવીટી લાઈન, પાણીની ફીડર લાઇન પણ નડતર રૂપ બને તેમ છે.


Google NewsGoogle News