મહિલાઓએ સ્વસ્થ જીવન જીવવા માટે રોજ એક કલાક કસરત કરવી જોઇએ
ફિલ્મ, મોડેલિંગ, મેડિકલ, શિક્ષણ, કલા અને રમત સાથે સંકળાયેલી અગ્રણી મહિલાઓએ મહિલાના સ્વાસ્થ્ય અંગે ટીપ્સ આપી
વડોદરા,વડોદરામાં ડાયાબિટીસ કાર્ડિયો મેટાબોલિક ડીસીઝ અંગે ત્રીજી મેટાકોન રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ હતી. તેમાં મહિલાઓને થતા રોગ અંગે શહેરની જાણીતી અને અગ્રણી મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આપેલી ટીપ્સમાં સૌથી મહત્વનું ડાયેટ અને કસરત છે. દરેક મહિલાએ પોતાના સારા સ્વાસ્થ્ય માટે રોજ બે કલાક ફાળવવા જોઇએ.
ફિલ્મ, મોડેલિંગ, મેડિકલ, શિક્ષણ, કલા અને રમત સાથે સંકળાયેલી અગ્રણી મહિલાઓના મત મુજબ, દરેક મહિલા ઘરની સાર સંભાળ રાખવામાં જ પોતાનો આખો દિવસ પસાર કરતી હોય છે. પરંતુ, પોતાના સ્વાસ્થ્ય માટે તેઓ સમય કાઢતી નથી. રોજ એક કલાક કસરત અને એક કલાક પોતાની જે હોબી હોય તેના માટે ફાળવવો જોઇએ. જેથી, તેઓનું સ્ટ્રેસ લેવલ ઓછું રહે અને સ્વાસ્થ્ય જળવાઇ રહે. ક્રિકેટર તરન્નુમ પઠાણે જણાવ્યું હતું કે, હું ફિટ રહેવા માટે રોજ દોઢ કલાક કસરત કરૃં છું. સ્ટ્રેસ હળવો કરવા માટે ફેમિલી સાથે સમય પસાર કરૃં છું.
ડાયાબિટીસ ધરાવતા મહિલા આર્ટિસ્ટ કાકુલી સેને જણાવ્યું હતું કે, મારી ફિટનેસ જાળવવા માટે રોજ મોર્નિગ વોક કરૃં છું. અગાઉ આર્કિટેક્ટ તરીકે પ્રેક્ટિસ કરતી મહિલા છેલ્લા આઠ વર્ષથી ફિલ્મ લાઇનમાં કામ કરે છે. ગુજરાતી મહિલાઓમાં ધીરે ધીરે ફિટનેસ પ્રત્યે જાગૃતિ આવવા લાગી છે. શરીરને સુડોળ રાખવા માટે કસરતની સાથે ડાયેટિંગ પણ અત્યંત મહત્વનું છે.
એક પ્રાઇવેટ યુનિવર્સિટીના મહિલા વાઇસ પ્રેસિડેન્ટ ડો. ગિતિકા પટેલે જણાવ્યું હતું કે, પોઝિટિવ સોશિયલ કનેક્શનથી પણ મહિલાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ ઘટે છે. મહિલાઓમાં અલગ - અલગ ઉંમરે આવતા શારીરિક ફેરફાર અનુસાર તેઓેએ પોતાનું ધ્યાન રાખવું જોઇએ.
બરોડા મેડિકલ કોલેજના ડો. રૃપલ દોશીએ જણાવ્યું હતું કે, કાર્ડિયો વાસક્યુલર ડિસીઝના બે મુખ્ય કારણ છે. જેમાં જીનેટિક, ઉંમર, વિસ્તાર જે આપણે બદલી શકતા નથી. જ્યારે બીજું કારણ આપણે બદલી શકીએ છે.જેમાં ડાયેટ, લાઇફ સ્ટાઇલ વગેરે છે.
વર્ષ - ૨૦૨૦ માં મિસીસ ઇન્ડિયા બનેલી પુજા દેસાઇએ જણાવ્યું હતું કે, મુશ્કેલીભર્યા વાતાવરણમાં શાંત રહેવું જોઇએ. કસરત મગજ અને શરીર માટે ફાયદાકારક છે.
મહિલા ફિઝિશિયન ડો. મધુ ઐયરે જણાવ્યું હતું કે, હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિલા અને પુરૃષોમાં અલગ - અલગ હોય છે. ખોરાક પ્રમાણસર લેવો જોઇએ. તેમજ સમયાંતરે બ્લડ ટેસ્ટ અને ઇસીજી કરાવવા જોઇએ. જેથી, હાર્ટની ગંભીર બીમારીથી બચી શકાય છે.