યુપીઆઈની બોલબાલા વચ્ચે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં હજી પણ કેશ પેમેન્ટનું ચલણ
વડોદરાઃ યુપીઆઈ( યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પેમેન્ટના યુગમાં હવે લોકોના ખિસ્સામાં રોકડ રકમ ના પડી હોય તો પણ ચાલી જાય તેવી સ્થિતિ છે.મોટાભાગના લોકો યુપીઆઈ પેમેન્ટ તરફ વળી રહ્યા છે પણ જો મહિલાઓ અને પુરુષોની સરખામણી કરવામાં આવે મહિલાઓ હજી પણ રોકડ રકમમાં વ્યવહાર કરવાનુ વધારે પસંદ કરે છે.
સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓએ કરેલા સર્વેના તારણો અનુસાર ગૃહિણીઓ રોકડ અને વિદ્યાર્થીઓ યુપીઆઈ પેમેન્ટને વધારે પ્રાધાન્ય આપે છે
એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગના ત્રીજા વર્ષના ૬ વિદ્યાર્થીઓ રેવંત યાદવ, રિધ્ધિ પ્રસાદ, આકાંક્ષા ટાંક, પ્રિતી સિંઘ, વૈષ્ણવી પ્રજાપતિ અને શુભાંગી વ્યાસે વિભાગના વરિષ્ઠ અધ્યાપકો કે.મુરલીધરન તેમજ શ્રેયા માથુરના માર્ગદર્શન હેઠળ કરેલા સર્વેમા ઉપરોક્ત તારણ નીકળ્યું છે.આ સર્વે પ્રમાણે કેશ ટ્રાન્ઝેક્શન કરનારાઓમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતા ૩.૫ ગણી વધારે છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે આ સર્વેના ભાગરુપે લોકો નાણાકીય વ્યવહાર માટે જે પધ્ધતિ અપનાવે છે તેની પાછળ કયા પ્રકારના પરિબળો જવાબદાર છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.આ સીવાય લોકો કયા પ્રકારની કેશલેસ પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે તેની જાણકારી પણ મેળવી હતી. ૧૬૧ પુરુષો અને ૧૬૩ મહિલાઓ એમ કુલ ૩૨૪ વ્યક્તિઓના આ સર્વેના ભાગરુપે મંતવ્ય મેળવ્યા હતા.
સર્વેના તારણો પ્રમાણે સરકારી કર્મચારીઓ, ગૃહિણીઓ તથા વરિષ્ઠ નાગરિકો લેવડ દેવડ માટે રોકડનો ઉપયોગ કરવાનુ વધારે પસંદ કરે છે.જ્યારે ખાનગી કંપનીઓના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ યુપીઆઈથી પેમેન્ટ કરવાને વધારે પ્રાધાન્ય આપે છે.વેપારીઓ અને વ્યવસાયીઓએ રોકડ અને ડિજિટલ પેમેન્ટ એમ બંને વિકલ્પોને અપનાવ્યા છે.
૫૫ વર્ષથી વધારે વયના લોકોનો ઝુકાવ રોકડ તરફ વધારે
સર્વેમાં સામેલ લોકોના મંતવ્યોના આધારે લાગે છે કે, જેમ જેમ ઉંમર થતી જાય છે તેમ તેમ લોકો રોકડ વ્યવહારો તરફ વધારે વળે છે.સર્વેમાં સામેલ ૫૫ વર્ષથી વધારે વયના વ્યક્તિઓમાં પુરુષોની સાથે સાથે મહિલાઓનો ઝુકાવ ડિજિટલ પેમેન્ટની જગ્યાએ રોકડ પેમેન્ટ તરફ વધારે જોવા મળ્યો છે.મહિલાઓમાં તો ૧૮ વર્ષથી ૪૪ વર્ષના વયજૂથમાં કેશ પેમેન્ટ કરનારાની સંખ્યા પુરુષો કરતા ઘણી વધારે જોવા મળી છે.
કેશ અને યુપીઆઈ પેમેન્ટનો એક સરખો સેટિસફેક્શન સ્કોર
સર્વેમાં એવુ પણ જાણવા મળ્યું હતું કે, લોકોને રોકડ લેવડ દેવડ અને યુપીઆઈ પેમેન્ટ એમ બંને પ્રકારના વિકલ્પોને લઈને એક સરખો સંતોષ છે. સર્વેમાં આ બંને વિકલ્પોને એક સરખો સેટિસફેક્શન સ્કોર મળ્યો હતો.બહુમતી લોકોએ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની સુરક્ષા હજી પણ વધવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
લોકોના મતે યુપીઆઈ પેમેન્ટની ખાસીયતો અને ખામીઓ
કેશલેસ એટલે કે યુપીઆઈ અથવા તો ડિજિટલ નાણાકીય વ્યવહારની ખૂબીઓ અને ખામીઓ અંગે લોકોએ અભિપ્રાય આપ્યા હતા.લોકોએ કહ્યું હતુ કે, સરળતા તેમજ અસરકારકતા ડિજિટલ પેમેન્ટની ખૂબી છે તો હેકિંગ થવાનો ડર, ટેકનોલોજી પર વધારે પડતી નિર્ભરતા અને ટ્રાન્ઝેક્શન દરમિયાન થતા ટેકનિકલ એરર તેની ખામી છે.
ડિજિટલ પેમેન્ટના કારણે સિસ્ટમમાં પારદર્શિતા આવવાની, અન્ય દેશોમાં પણ કેશલેસ પેમેન્ટની તથા પેમેન્ટ કરવામાં સરળતાની તકો વધી રહી છે.તો ગ્રામ્ય વિસ્તારમાં તેને લઈને જાગૃતિનો અભાવ અને ઓનલાઈન ફ્રોડ થવાનુ જોખમ પણ વધ્યું છે.
રોકડ લેવડ દેવડના જમા-ઉધાર પાસા
લોકોના મતે કેશમાં લેવડ દેવડના જમા પાસા એ છે કે, દરેક જગ્યાએ તેની સ્વીકાર્યતા છે.રોકડ વ્યવહાર માટે કોઈ ફી લાગતી નથી અને ટેકનોલોજી પર આધાર રાખવો પડતો નથી.જ્યારે વધારે પડતી રોકડ જોડે રાખવાના કારણે સુરક્ષાની ચિંતા, પેમેન્ટ કરવા માટે પોતાની હાજરી જરુરી હોવી તે રોકડ વ્યવહારની નબળાઈઓ છે.
લોકોનું એવું પણ માનવું છે કે, રોકડ વ્યવહારમાં પૈસાની નજર સામે જ લેવડ દેવડ થાય છે.તેની સામે નકલી નોટોનો ખતરો પણ રહે છે.
ભારતમાં ૧૩૧ અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં સમગ્ર ભારતમાં ૧૩૧ અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા અને તેના થકી ૨૦૦ ખરબ રુપિયાની લેવડ દેવડ થઈ હતી.જુલાઈ ૨૦૨૪ના એક આંકડા અનુસાર ભારતમાં દર સેકન્ડે ૫૩૯૦ યુપીઆઈ પેમેન્ટ થાય છે.યુપીઆઈ ટ્રાન્સઝેક્શનમાં એક વર્ષમાં ૫૯ ટકાનો વધારો જોવા મળ્યો છે.
બેન્કોની મોબાઈલ એપ કરતા યુપીઆઈ એપ વધારે લોકપ્રિય
લોકો યુપીઆઈ પેમેન્ટ માટેના અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ વધારે કરે છે.સર્વેમાં ૬૦ ટકાએ કહ્યું હતું કે, અમે બેન્કોની મોબાઈલ એપનો ઉપયોગ ભાગ્યે જ કરીએ છે.ઘણાનું માનવું છે કે, બેન્કોની મોબાઈલ એપ યુઝર ફ્રેન્ડલી પણ નથી. આમ યુપીઆઈ અથવા તો ડિજિટલ પેમેન્ટમાં બેન્કોની મોબાઈલ એપ પાછળ રહી ગઈ છે.