વડોદરાના ગરબાઓમાં પોલીસનો પહેરો,મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમશે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વડોદરાના ગરબાઓમાં પોલીસનો પહેરો,મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમશે 1 - image

વડોદરાઃ નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના શાંતિ અને ભક્તિમય માહોલમાં થાય તે માટે શહેર પોલીસ દ્વારા ગરબા ગ્રાઉન્ડો પર પુરતો પહેરો રાખવામાં આવશે.

આગામી તા.૧૫થી શરૃ થઇ રહેલા નવરાત્રિ મહોત્સવને પગલે વડોદરા પોલીસે પુરતા  બંદોબસ્તની તૈયારી કરી છે.પોલીસ કમિશનરે કહ્યું હતું કે,પાંચ હજાર થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે.જ્યારે, આયોજકો સાથે પણ સિક્યુરિટી વ્યવસ્થા, સીસીટીવી તેમજ સુરક્ષાના બીજા મુદ્દાઓ અંગે તા.૧૧મીએ મીટિંગ યોજી ચર્ચા કરવામાં આવનાર છે.

તેમણે કહ્યું હતું કે,એસઆરપીની પાંચ કંપની ઉપરાંત સાત ડીસીપી,૧૫ એસીપી, ૫૦ પીઆઇ,૮૦ પીએસઆઇ અને પોલીસ તેમજ હોમગાર્ડ સહિત કુલ પાંચ હજાર પોલીસ જવાનો બંદોબસ્ત જાળવશે.જ્યારે,અંતરિયાળ અને અવાવરૃ સ્થળોએ ઘોડેશ્વાર પોલીસ  બંદોબસ્ત જાળવશે.

ગરબા દરમિયાન છેડતીના બનાવો રોકવા માટે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમશે અને તે દરમિયાન છેડતી કરનારા તત્વો પર નજર રાખશે.આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડોની આસપાસ લાઇટો મુકવા માટે આયોજકોને કહેવાશે.જ્યારે પોલીસ પણ ખાસ લાઇટો મુકશે.

શહેરમાં 200 થી વધુ ગરબાનું આયોજન,ટ્રાફિક માટે 1200 પોલીસવડોદરાના ગરબાઓમાં પોલીસનો પહેરો,મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમશે 2 - imagehe

ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ અલગ અલગ સમયે એન્ટ્રી લે છે,પણ બહાર એકસાથે નીકળતા હોય છે

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,સોમવાર

ગરબા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા પર પોલીસ ખાસ ધ્યાન આપનાર છે.ટ્રાફિક વ્યવસ્થા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ નજર રાખશે.

પોલીસ કમિશનરે કહ્યું છે કે,૧૦૦ થી વધુ શેરી ગરબા થાય છે અને સોસાયટીઓ તેમજ  ૨૦ હજાર થી વધુ ખેલૈયા રમતા હોય તેવા ૨૭ ગરબા સહિત વડોદરામાં ૨૦૦ થી વધુ સ્થળે ગરબા યોજાય છે.નાના પ્રકારના ગરબા તો અનેક સ્થળે થતા હોય છે.

ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડમાં જવાનો સમય અલગ અલગ હોય છે.પરંતુ,ગરબા બંધ થયા બાદ તેઓ એક સાથે બહાર આવતા હોય છે.જેને કારણે ટ્રાફિકની અવ્યવસ્થા થતી હોય છે.આ દરમિયાન ક્યાંય ટ્રાફિક જામ ના થાય તે માટે પોલીસના ૧૨૦૦ જવાનો ટ્રાફિક વ્યવસ્થા જાળવશે.

રાતે 12 વાગ્યા સુધી જ ગરબાને પરવાનગી

પોલીસ કમિશનરે કહ્યું છે કે,સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ગરબા માટે રાતે ૧૨વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી છે.રાતે ત્યારબાદ ખાણીપીણીની લારીઓ પર ખેલૈયાઓ લાંબો સમય સુધી બેસી ના રહે તે માટે પોલીસ પ્રયાસો કરશે.

પોલીસની 100 વાન ક્રોસ પેટ્રોલિંગ કરશે

નવરાત્રિ દરમિયાન સાંજ થી જ પોલીસ પેટ્રોલિંગ શરૃ કરનાર છે.પોલીસની ૧૦૦ વાન જુદાજુદા અંતરિયાળ વિસ્તારોમાં ક્રોસ પેટ્રોલિંગ કરશે.ગરબા ગ્રાઉન્ડ  પર મહિલાઓ ની સુરક્ષા માટે આયોજકોની મદદથી પોલીસની હેલ્પ ડેસ્ક પણ રાખવામાં આવશે.


Google NewsGoogle News