વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધમાં મહિલાઓનો અલકાપુરીની વીજ કચેરી ખાતે મોરચો
Smart Meter Controversy in Vadodara : વડોદરામાં સ્માર્ટ વીજ મીટર સામે ઉભા થયેલા લોક જુવાળના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીએ નવા મીટરો નાંખવાની કામગીરી તો હાલ બંધ કરી દીધી છે પણ જ્યાં આ સ્માર્ટ મીટરો પહેલેથી નંખાઈ ગયા છે તેવા ગ્રાહકો આ મીટરો કાઢી નાંખવામાં આવે તેવી માંગ પર કાયમ છે.
વીજ કંપનીના અધિકારીઓના ગમે તેટલા ખુલાસા પછી પણ લોકોને સ્માર્ટ મીટરો પર વિશ્વાસ નથી બેસી રહ્યો અને તેના કારણે હજી પણ લોકોના મોરચા વિવિધ વીજ કચેરીઓ પર પહોંચી રહ્યા છે. ગઈકાલે સુભાનપુરા વીજ કચેરી બાદ આજે અલકાપુરી વિસ્તારની વીજ કચેરી પર સયાજીગંજ વિસ્તારમાં રહેતી મહિલાઓનો મોરચો સ્માર્ટ મીટરોનો વિરોધ કરવા માટે પહોંચ્યો હતો.
મહિલાઓએ કહ્યું હતું કે, અમારામાંથી ઘણા તો નોકરી પરથી રજા પાડીને વિરોધ કરવા માટે આવ્યા છે. અમે નોકરી-ધંધા બગાડીને આ રીતે વિરોધ જ કરતા રહીશું તો ઘર કેવી રીતે ચાલશે...અમે સ્માર્ટ મીટરો કાઢીને જૂના મીટરો લગાવવા માટે અરજી આપેલી છે પણ અમારી અરજી વીજ કંપનીએ કચરાપેટીમાં ફેંકી દીધી છે.
મહિલાઓએ કહ્યું હતું કે, ગમે તે થાય પણ અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી. અમને જૂના મીટરો પાછા આપો. સરકારે સ્માર્ટ વીજ મીટરો લગાવવાનો નિર્ણય લીધો છે પણ તેના પરિણામો હવે અમારે ભોગવવા પડી રહ્યા છે.