અંધારામાં ટ્રેન ઊભી રહી અને મહિલાના બે પર્સની તફડંચી
અંધારાનો લાભ ઉઠાવી રૃા.૧.૭૫ લાખની મત્તા મૂકેલ બે પર્સ ઉઠાવી ગઠિયા ફરાર
વડોદરા, તા.8 વડોદરા રેલવે સ્ટેશન પહેલાં અંધારામાં ઊભી રહેલી ટ્રેનનો લાભ ઉઠાવી ગઠિયાઓ રિઝર્વેશન કોચમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત પોણા બે લાખની વસ્તુઓ મૂકેલ બે પર્સ ઉઠાવી ગયા હતાં.
ઇસ્ટ મુંબઇના કાંદીવલી ખાતે સમતાનગરમાં રહેતા મૂળ રાજસ્થાનના રાજારામ જસાજી ચૌધરી તેમની ભાભી મંજુબેન સાથે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી રાની રેલવે સ્ટેશનથી બોરીવલી જતા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી બંને પોતપોતાની સીટ પર ઊંઘી ગયા હતાં. વડોદરા રેલવે સ્ટેશન આવવાની પાંચ મિનિટ પહેલાં અંધારામાં ટ્રેન ઊભી રહી હતી.
દરમિયાન થોડા સમય બાદ મંજુબેને જોયું તો સીટની બાજુમાં માથા પાસે રાખેલ લાલ અને સફેદ રંગનું પર્સ ગાયબ થયેલા જણાયા હતાં. આ પર્સમાં સોનાનો બે તોલાનો હાર, કમરબંધ ચાંદીનો કંદોરો ૫૦૦ ગ્રામ અને રોકડ તેમજ અન્ય દસ્તાવેજો મળી કુલ રૃા.૧.૭૫ લાખની મત્તા ચોરી થઇ હતી. આ બનાવ અંગે રાજારામે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.