રેલવે સ્ટેશન પર વડોદરાની મહિલાના રૃા.૨.૨૮ લાખના દાગીના મૂકેલ પર્સની ચોરી
મહિલાએ પર્સ ચેક કર્યું તો ચેન ખુલ્લી અને અંદરથી દાગીના મૂકેલ નાનું પર્સ ગાયબ હતું
વડોદરા, તા.19 ટ્રેનના એસી કોચમાંથી ઉતરતી વખતા ગીર્દીનો લાભ લઇ કોઇ ગઠિયો વડોદરા રેલવે સ્ટેશન પર વડોદરાના સમા વિસ્તારમાં રહેતી એક મહિલાના પર્સમાંથી રૃા.૨.૨૮ લાખ કિંમતના સોનાના દાગીના મૂકેલ નાનું પર્સ તફડાવી ગયો હતો.
ન્યુ સમારોડ પર આવેલી આકાશગંગા સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના ઇન્દુબેન પ્રદિપકુમાર દવેએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧૮ના રોજ વાપીથી ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં મારુ રિઝર્વેશન હોવાથી હું મુસાફરી કરીને ટ્રેન પ્લેટફોર્મ નંબર-૨ પર આવતાં હું ટ્રેનમાંથી નીચે ઉતરી હતી. બાદમાં પતિને ફોન કરવા મારા પર્સમાં મૂકેલ ફોન લેવા જતાં ચેન ખુલ્લી જણાઇ હતી.
આ પર્સમાંથી ખોડિયાર જવેલર્સ નામનું સફેદ રંગનું નાનુ પર્સ ગાયબ જણાયું હતું. પર્સમાં સોનાનું મંગળસૂત્ર, કાનની એક જોડ બુટ્ટી, સોનાનું ડોકીયું, કાનની બુટ્ટી એક જોડ, બે વીંટી મળી કુલ રૃા.૨.૨૮ લાખ કિંમતના ૬૭ ગ્રામ સોનાના દાગીના હતાં. ટ્રેનમાં ભીડનો લાભ ઉઠાવી કોઇ ગઠિયો પર્સની ચેન ખોલી નાનું પર્સ કાઢી ગયો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.