સેવાસીના પાર્ટી પ્લોટમાં ફોટોગ્રાફીમાં વ્યસ્ત મહિલાના પર્સની તફડંચી
૧૫ તોલા સોનાના દાગીના, ૧૦૦ ગ્રામ ચાંદી અને રૃા.૫૦ હજાર રોકડ મૂકેલ પર્સ ઉઠાવી ગઠિયો ફરાર
વડોદરા, તા.27 લગ્નની ઋતુ શરૃ થતાં જ પાર્ટી પ્લોટો પર દાગીના અને રોકડ તફડાવતી ટોળકી સક્રિય થઇ ગઇ છે. શહેરના છેવાડે સેવાસી ખાતે આવેલા આરાના પાર્ટી પ્લોટમાં દીકરીના લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફીમાં વ્યસ્ત મહિલાનું પર્સ ચોરી થયું હતું. આ પર્સમાં ૧૫ તોલા સોનાના દાગીના, ૧૦૦ ગ્રામ ચાંદી અને રોકડ મળી કુલ રૃા.૪.૯૫ લાખની મત્તા હતી.
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રહેતા પ્રિતીબેન જીતેન્દ્રભાઇ કોઠારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પુત્રી હીનલના લગ્ન હોવાથી અમે તા.૨૬ના રોજ સવારથી જ સેવાસી ખાતેના આરાના પાર્ટી પ્લોટમાં આવી ગયા હતાં. દિવસ દરમિયાન લગ્નની વિધિ કરી હતી અને રાત્રે જાન પક્ષના મહેમાનો આવવાના હોવાથી અમે તેની તૈયારીમાં હતાં.
રાત્રે સાડા સાત વાગે જાન આવતાં હું મારી પુત્રી હીનલ તેમજ અન્ય મહેમાનો વઘામણા કરવા માટે પાર્ટી પ્લોટના પ્રથમ ગેટ પર ગયા હતાં. બાદમાં અમે ફોટોગ્રાફી કરતા હતાં. આ વખતે મારી પાસેનું બ્રાઉન કલરનું પર્સ નીચે જમીન પર મૂકીને ફોટોગ્રાફી કર્યાના થોડા સમય બાદ હું મારું પર્સ લેવા ગઇ તો તે મળ્યુ ન હતું. આજુબાજુ તપાસ કરવા છતાં પર્સ જણાયું ન હતું. આ પર્સમાં ૧૫ તોલા સોનાના દાગીના, ૧૦૦ ગ્રામ ચાંદીના સિક્કા, દાગીના અને રોકડ રૃા.૫૦ હજાર મળી કુલ રૃા.૪.૯૫ લાખની મત્તા હતી.
આરાના પાર્ટી પ્લોટમાં કોઇ શખ્સ અમે ફોટોગ્રાફી કરતા હતા તેનો લાભ ઉઠાવીને નજર ચૂકવી શિફ્તપૂર્વક દાગીના અને રોકડ મૂકેલ પર્સ તફડાવી ગયો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસે પર્સ તફડાવી જનારની શોધખોળ હાથ ધરી છે.