મૃત વ્યક્તિને પતિ તરીકે દર્શાવી મહિલાએે પેન્ટહાઉસ વેચી દીધું
વડોદરાઃ જૂના પાદરા રોડ વિસ્તારના શોભના નગર ખાતે એક મહિલાનું પેન્ટહાઉસ તેના મૃત પતિના વારસદાર તરીકે ત્રાહિત મહિલા અને તેના પુત્રએ રૃ.૫૦ લાખમાં વેચી દીધું હોવાની ફરિયાદ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ભરૃચના ડુમવાડ ખાતે રહેતા રઝીયાબેન ઉશ્માનભાઇ મનસુરીએ પોલીસને કહ્યું છે કે,મારા પતિનું ડિસેમ્બર-૨૦૧૪માં અવસાન થયું હતું.તે પહેલાં તેમણે જૂના પાદરા રોડ ખાતે શોભના નગરમાં પેન્ટ હાઉસ લીધું હતું.જેના પર લોન ચાલતી હોવાથી બેન્કની નોટિસ મને મળતી હતી.
મેં મારા પુત્ર મારફતે તપાસ કરાવતાં વડોદરાના આબેદાબીબી સુલેમાન શેખે(બીના નગર,તાંદલજા)મારા પતિના પત્ની તરીકે લોન ભરપાઇ કરી હોવાની માહિતી મળી હતી.જેથી વધુ તપાસ કરાવતાં આ પેન્ટ હાઉસ આબેદાબીબી અને તેના પુત્ર રિઝવાને મારા પતિના પત્ની અને પુત્ર તરીકે બોગસ પેઢીનામું બનાવી નાદીરખાન પઠાણને વેચી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.આમ,આબેદા બીબીએ બોગસ નિકાહનામું પણ બનાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જેથી પોલીસે બંને માતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.