એક્ટિવા બ્રિજ પાસે મૂકી મહિલાનો મહી નદીમાં મોતનો ભૂસકો
અન્ય બનાવમાં મહી નદીના કિનારે કાદવમાંથી અજાણી યુવતીની લાશ મળી
વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ મુજપુર ગંભીરા બ્રિજ પાસે મહી નદી ઉપર એક એક્ટિવા બ્રિજ સાઈડમાં પડેલું છે અને ડીકીમાંથી પાકીટ આધાર કાર્ડ અને ઓઢણી છે તેમજ એક્ટિવાની ડાબી બાજુ રક્ષાનો ડુપ્લીકેટ ડાબો પગ પડ્યો છે. તેવી માહિતી તેના પિતા છત્રસિંહ અમરસિંહ પરમાર રહેવાસી શ્રીજી પાર્ક સોસાયટી નવા બજાર કરજણને મળતા તેઓ પરિવારના સભ્યો સાથે રિક્ષામાં બેસી પાદરા મુજપુર ચેકપોસ્ટ પર આવ્યા હતા. આ વખતે ત્યાં રક્ષાબેનના પતિ કનુભાઈ રહે વાટા વિસ્તાર હળદરી ગામ તાલુકો આંકલાવ પણ હાજર હતા બધાએ ભેગા મળી મહીસાગર નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બીજા દિવસે નદીના કિનારે પાણીમાં ઉંધી તરતી લાશ મળી હતી. આ અંગે પાદરા પોલીસે મૃતક રક્ષાબેન કનુભાઈ રાહુલજી ઉંમર વર્ષ 41ના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં પાદરા તાલુકામાં મુજપુર ગામે નારાયણ ટેકરી વિસ્તાર પાસે મહી નદીના કાદવમાં અજાણી 30 વર્ષની યુવતીની લાશ મળી હતી પોલીસે અજાણી મહિલાની ઓળખ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.