વડોદરામાં પાર્કિંગ મુદ્દે સ્કૂટરને લાતો મારી મહિલા ચાલકને લાફા ઝીંક્યા
વડોદરા,તા.8 મે 2023,સોમવાર
વડોદરા શહેરના એમ.જી રોડ પર આવેલી કંસારા પોળમાં પાર્કિંગ મુદ્દે સ્થાનિક રહીશે સ્કૂટર ચાલક મહિલાને ફટકારી સ્કૂટરને લાતો મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી પલ્લવીબેન પટેલ ગઈકાલે સાંજના સમયે વાસણ ખરીદવા એમ જી રોડ કંસારા પોળ ખાતે ગયા હતા. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, હું સ્કૂટર પાર્ક કરી રહી હતી તે સમયે, દર્શન મહેશભાઈ કંસારા તથા હિરલ ગોવિંદલાલ કંસારા ( બંને રહે-કંસારા પોળ) એ અવરજવર માટેનો રસ્તો હોવાથી સ્કૂટર પાર્ક ન કરવા જણાવ્યું હતું. અન્ય વાહનો પણ પાર્ક હોવાથી હુંએ મારું વાહન પણ પાર્ક કર્યું હતું. જેથી હિરલ કંસારા અચાનક ઉશ્કેરાઈ જઈ મારા સ્કૂટરને લાતો મારી, અપશબ્દો બોલી મારા વાળ પકડી દર્શને લાફા માર્યા હતા. પોલીસને જાણ કરતા યુવક થાય તે કરી લેજો તેવી ધમકી આપી જતો રહ્યો હતો.