વારસિયાની મહિલા વિદેશી દારૃ અને બિયર સાથે ઝડપાઇ
દારૃ, મોપેડ અને મોબાઇલ ફોન કબજે : દારૃ આપી જનારની શોધખોળ
વડોદરા,વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતી અને દારૃનો ધંધો કરતી મહિલાને પીસીબી પોલીસે ઝડપી પાડી છે. જ્યારે દારૃ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા મોનીકાબેન ડોલુભાઇ રામચંદાણી પોતાના ઘરે દાદર નીચે તેમજ મોપેડમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે આવીને તપાસ કરતા મોનીકાબેન મળી આવ્યા હતા. તેમના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૃની ૭૦ બોટલ તેમજ બિયરના ૯ ટીન મળી આવ્યા હતા. દારૃ અને બિયર અંગે પૂછતા મોનીકાબેને જણાવ્યું હતું કે, કુંભારવાડામાં રહેતો સુનિલ નામનો શખ્સ સવારે જ દારૃનો જથ્થો આપી ગયો હતો. જેથી, પોલીસે સુનિલને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૃ, મોપેડ તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૫૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.