એક જ ઘરમાં બે દિવસમાં બે મોતથી શોક ચાર વર્ષની પૌત્રીના મોતના આઘાતમાં દાદીનું પણ બેભાન થયા બાદ મૃત્યુ
મીયાંગામ-કરજણમાં રહેતા દાદી અને પૌત્રી બંનેને ઝાડા ઉલટી થતાં સારવાર પણ ચાલતી હતી
વડોદરા, તા.28 વડોદરા જિલ્લાના મીયાંગામ કરજણ ખાતે ચાર વર્ષની પૌત્રીનું બીમારીના કારણે મોત થયા બાદ અચાનક બેભાન થઇ ગયેલી દાદીનું પણ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નિપજતાં ગામમાં ઘેરા શોકનું વાતાવરણ ફેલાયું હતું.
આ અંગેની વિગત એવી છે કે મીયાંગામ કરજણમાં રહેતા હંસાબેન ભુપતભાઇ રાઠોડિયા (ઉ.વ.૪૫)ના પુત્ર મહેશભાઇની ચાર વર્ષની પુત્રી માહીને ઝાડા ઉલટી થયા બાદ તેને સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં દાખલ કરી હતી. સરકારી દવાખાને તેની ત્રણ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તા.૨૫ના રોજ માહીનું મોત નિપજ્યું હતું. પૌત્રીના દેહને ઘેર લાવ્યા બાદ તેની દાદી હંસાબેનની તબિયત અચાનક લથડી હતી અને તેઓ પણ બેભાન થઇ ગયા હતાં.
તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરતાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન તા.૨૬ની સાંજે મોત નિપજ્યું હતું. બે દિવસમાં એક જ ઘરમાં પૌત્રી અને દાદીના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો હતો. આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દાદી હંસાબેનને પણ ઝાડા ઉલટીની તકલીફ થતાં તેમને કરજણ ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં તેમને ત્રણ દિવસ સુધી રાખ્યા બાદ તેમને સારૃ થઇ જતાં રજા આપી દેતાં તેઓ ઘેર આવ્યા હતાં. હંસાબેનનું મોત ખરેખર પૌત્રીના મોતના આઘાતમાં કે ઝાડા ઉલટીના કારણે થયું છે તે જાણવા માટે પીએમ બાદ વિશેરા લઇને તપાસણી માટે મોકલવામાં આવ્યા છે.