પતિઓની સૂચનાથી કોઇ પણ ભાગીદારી કરારમાં સહી કરતા પહેલા પત્નીઓએ 100 વખત વિચારવું
હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર 3 આરોપીઓના જામીન નામંજૂર
આરોપીઓમાં સાવલી ભીમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ખડાયતા આગેવાન 70 વર્ષના જતીનકુમાર દોશીનો પણ સમાવેશ
વડોદરા : હરણી લેકઝોન બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટના ત્રણ ભાગીદારો જતીનકુમાર દોશી, તેજલબેન દોશી અને નેહાબેન દોશીની ૨૯ જાન્યુઆરીએ ધરપકડ કરાઇ હતી અને ત્યારે બાદ તા.૨ ફેબુ્રઆરી સુધી રિમાન્ડ પર હતા. રિમાન્ડ પુરા થતાં જ આ ત્રણ આરોપીઓને જેલમાં મોકલી દેવાયા હતા.દરમિયાન આ આરોપીઓએ મુકેલી જામીન અરજી વડોદરા સેશન્સ કોર્ટે રદ્દ કરી દીધી છે એટલે ત્રણેય આરોપીઓનો જેલવાસ લંબાયો છે.
આરોપીઓમાં જતીનકુમાર હિરાલાલ દોશી (રહે. અયોધ્યાપુરી સોસાયટી, ભાદરવા ચોકડી)ની ઉમર ૭૦ વર્ષની છે. તેઓ ૨૦૧૮થી કોટિયા પ્રોજેક્ટમાં ૫ ટકાના ભાગીદાર છે. જતીનકુમાર દોશી ખડાયતા સમાજના આગેવાન હોવા ઉપરાંત સાવલીના ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ અને જમનોત્રી ચેરિટેબલ ટ્રસ્ટમાં ૨૦ વર્ષથી ટ્રસ્ટી છે. ખડાયતા આગેવાન છે અને સાવલીમાં અનાજ કરિયાણાના વેપારી છે.
અન્ય આરોપીઓમાં 51 વર્ષના તેજલબેન દોશી ડેન્ટિસ્ટના પત્ની છે અને 35 વર્ષના નેહાબેન દોશી વેપારીના પત્ની છે
બીજા આરોપી તેજલબેન અશિષકુમાર દોશી (રહે. વ્રજ વિહાર સોસાયટી, અરપોર્ટ રોડ, હરણી) ૫૧ વર્ષના છે. તેમના પતિ આશિષકુમાર દોશી ડેન્ટિસ્ટ છે.૨૮ વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને ખડાયતા સમાજના આગેવાન છે. પુત્ર એમ.ડી.ના પ્રથમ વર્ષમા અભ્યાસ કરે છે. ત્રીજા આરોપી ૩૫ વર્ષના નેહા દિપેનકુમાર દોશી હરણી મોટનાથ મહાદેવ મંદિર સામે રાજેશ્વર એપાર્ટમેન્ટમાં જ રહે છે. ૯ અને ૫ વર્ષના બે પુત્રો છે.પતિ સાવલીમાં વેપારી છે અને ખડાયતા સમાજના કારોબારી સભ્ય છે. આ બન્ને આરોપી પણ કોટિયા પ્રોજેક્ટમાં પાંચ-પાંચ ટકાના ભાગીદારો છે.
આ ત્રણ આરોપીઓની જામીન અરજીનો વિરાધ કરતા સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર આર.સી.કોડેકર અને ભોગ બનનાર તરફે હિતેશ ગુપ્તાએ દલીલો કરી હતી કે ૧૨ બાળકો અને બે શિક્ષિકાઓ મળીને ૧૪ના મોતની ઘટના કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોની ગુનાઇત બેદરકારીના કારણે બની છે. કોન્ટ્રાક્ટમાં ભાગીદારોની જવાબદારી નક્કી કરવામાં નથી કરવામાં આવી એટલે દરેક ભાગીદાર આ ઘટના માટે એક સરખો જવાબદાર છે. આ ત્રણ આરોપીઓ સમાજમાં વગદાર છે અને જેલમાંથી બહાર નીકળીને પુરાવાઓ તથા સાક્ષીઓને અસર કરી શકે છે. વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જ રમેશકુમાર બાબુભાઇ ઇટાલીયાએ ત્રણ આરોપીઓના રેગ્યુલર જામીન રદ્ કરવાનો હૂકમ કર્યો હતો.
પતિઓની સૂચનાથી કોઇ પણ ભાગીદારી કરારમાં સહી કરતા પહેલા પત્નીઓએ 100 વખત વિચારવું
બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહના કહેવાથી 5 ટકા નફાની લાલચમાં ખડાયતા આગેવાનોને જેલ જવાનો વારો આવ્યો
હરણી બોટ દુર્ઘટના વડોદરાના માથે કાળી ટીલી સમાન છે. મુખ્ય આરોપી એવા પરેશ શાહ વૈષ્ણવ ખડાયતા આગેવાન છે. તેમના કહેવાથી આરોપીઓ (૧) નેહા દિપેનકુમાર દોશી, (૨) તેજલબેન આશિષકુમાર દોશી (૩) જતિનભાઇ હિરાલાલ દોશી કોટિયા પ્રોજેક્ટમાં પાચ-પાંચ ટકાના ભાગીદારો બન્યા છે. ભાગીદાર બન્યા પછી પ્રોજેક્ટમાં નિતિ નિયમોનું પાલન થાય છે કે નહી તે જોવાની જવાબદારી આ ભાગીદારોની પણ બને જ છે. જો કે સ્લિપિંગ પાર્ટનર તરીકે જોડાયા હોવાથી આ ભાગીદારોએ હરણી તળાવમાં ચાલતા પ્રોજેક્ટની બેદરકારી ધ્યાન પર લીધી નહતી. મહત્વની વાત એ છે કે આ ત્રણ આરોપીઓમાં બે મહિલા તેજલબેન અને નેહા તો ગૃહિણીઓ છે. સંભાવના એવી છે કે પતિઓના કહેવાથી ભાગીદારી કોન્ટ્રાક્ટરમાં સહી કરી હોય. બિઝનેસ અને કોન્ટ્રાક્ટર અંગે કોઇ જાણકારી ના પણ હોય અને હવે જેલમાં રહેવાનો વારો આવ્યો છે. આ કેસથી પત્નીઓએ શિખવાનું એ છે કે પતિ કહે તે કોન્ટ્રાક્ટ પર આંખ બંધ કરીને સહી કરવાથી ક્યારેય જેલમાં પણ જવુ પડે અને પતિઓએ પત્નીઓના નામથી કોન્ટ્રાક્ટમાં ઇન્વેસ્ટ કરતા પહેલા ૧૦ વખત વિચારી લેવુ નહી તો પરિવારે ભોગવવુ પડશે