રોયલ્ટી વગર અને ઓવરલોડ માટી ભરેલું ડમ્પર ઝડપાયું
ઇંટોલાથી માટી ભરીને ડમ્પર કરજણ જતું હતું ઃ ઇંટોલામાં અગાઉ માટીચોરીનું કૌભાંડ ઝડપાયું હતું
વડોદરા, તા.21 દિવાળી પૂરી થતાં જ રેતી અને માટી માફિયાઓ બેફામ થવા લાગ્યા છે. રોયલ્ટીની ચોરી કરી કિંમતી ખનીજની હેરાફેરી કરવામાં આવી રહી છે. કરજણ બ્રિજ પરથી માટી ભરેલું એક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ડમ્પરની માટી અંગે કોઇ રોયલ્ટી પણ ભરી નહી હોવાનું બહાર આવતાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકામાંથી રેતી અથવા માટી ભરેલા ડમ્પરો મોટી સંખ્યામાં પસાર થતાં હોવાથી ખાણખનીજખાતા દ્વારા આ તાલુકામાં વોચ રાખવામાં આવી છે. દરમિયાન આજે કરજણ બ્રિજ પાસેથી પસાર થતા એક ડમ્પરને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડમ્પરમાં માટી ભરેલી હતી આ અંગે ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા તેની પાસે મળ્યો ન હતો જેથી માટી ચોરીની હોવાનું સ્પષ્ટ ફલિત થયું હતું. એટલું જ નહી પરંતુ ડમ્પરમાં માટી પણ ઓવરલોડ ભરેલી હતી. ખાણખનિજવિભાગ દ્વારા વજન કરતાં કુલ વજન ૨૨.૯૯ મેટ્રિક ટન જણાયું હતું.
રોયલ્ટી વગરની માટી ભરીને જતા ડમ્પર સહિત કુલ રૃા.૨૦ લાખથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. વડોદરા પાસિંગના આ ડમ્પરમાં ઇંટોલા પાસેથી માટી ભરવામાં આવી હતી અને કરજણ બ્રિજ પાસે લઇ જવાતી હતી તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડમ્પરના માલિક ભાવેશ મહેશભાઇ રબારી(રહે.રબારીવાસ, ઇંટોલા રેલવે સ્ટેશન પાસે) સામે કાર્યવાહી હાથ ધરી તેને નોટિસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઇંટોલામાંથી અગાઉ પણ માટીચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. આજે ઝડપાયેલા માટી ભરેલા ડમ્પરના માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હકીકતમાં આ ડમ્પરમાંની માટીનો સપ્લાય વડોદરામાં રહેતા માટીના એક મોટા વેપારી દ્વારા કરાતી હોવાની ચર્ચા ચાલી રહી છે.