૨૪ કલાકમાં મહીસાગર બ્રિજ પરથી પડતું મૂકીને યુવક અને પ્રૌઢનો આપઘાત

બ્રિજ પરથી યુવકની બાઇક અને મોબાઇલ ફોન મળતા તેણે નદીમાં પડતું મૂક્યું હોવાની શંકા ગઇ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
૨૪ કલાકમાં મહીસાગર બ્રિજ પરથી પડતું મૂકીને યુવક અને પ્રૌઢનો આપઘાત 1 - image

વડોદરા,મહીસાગર બ્રિજ પરથી ચોવીસ કલાકમાં ચામડીના રોગથી પીડાતા ૨૨ વર્ષના યુવક અને ૪૩ વર્ષના રિક્ષા ડ્રાઇવરે  પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. ફાયરબ્રિગેડે નદીના  પાણીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પોલીસ સૂત્રોના  જણાવ્યા અનુસાર, કલાલી ફાટક પાછળ ચાણક્યનગરીમાં રહેતા ૪૩ વર્ષના વિશ્વનાથ પ્રભાકરભાઇ દુખંડે   રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેમની પત્ની ઘરકામ કરે  છે. ગઇકાલે બપોરે તેઓ ઘરેથી નીકળીને મહીસાગર બ્રિજ પર આવ્યા હતા. અને બ્રિજ  પરથી બપોરે નીચે  પડતું મૂક્યું હતું. તે જોઇને લોકોએ પોલીસને જાણ કરતા  પોલીસે સ્થળ પર જઇને ફાયરબ્રિગેડની મદદ લઇ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. વિશ્વનાથ દુખંડેના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી. જે અંગે નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે. 

જ્યારે અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના નાપાડ ગામે રહેતો ૨૨ વર્ષનો યતિન નરેન્દ્રભાઇ મકવાણા ઘરેથી બાઇક લઇને નીકળી ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, તેનો કોઇ પત્તો લાગ્યો નહતો. પરિવારજનો તેને શોધતા શોધતા વાસદ મહીસાગર બ્રિજ પર આવ્યા ત્યારે તેની બાઇક અને મોબાઇલ  ફોન ત્યાંથી મળી આવ્યા હતા. જેથી, પોલીસને જાણ કરવામાં આવી હતી.  પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પરિવારજનોની  પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી  હતી કે, યતિનને ચામડીનો અસાધ્ય રોગ હતો. તેની દવા ચાલતી હતી. પરંતુ, રોગ મટતો નહતો. જેથી, કંટાળીને તેણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.


વાસદ બ્રિજને સ્યુસાઇડ સ્પોટ બનતો રોકવા માંગણી

 વડોદરા,વાસદ ખાતે મહીસાગર બ્રિજ પરથી આપઘાત કરવાના કિસ્સા વારંવાર બની રહ્યા હોવાથી આવા બનાવો રોકવા માટે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.કેટલાક કિસ્સાઓમાં પેટ્રોલિંગ કરતી પોલીસ પહોંચી જતી હોવાથી યુવક-યુવતીનો બચાવ થતો હોય છે.


Google NewsGoogle News