વડોદરા કોર્પોરેશનની હદમાં વધારો થતા 1200 સફાઈ સેવકોની નવી જગ્યા ઊભી કરાશે
સફાઈ સેવક સંવર્ગ -4 માં મહેકમ શિડ્યુલમાં પણ આંતરિક ફેરફાર કરશે
વડોદરા, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધારો થતા વહીવટી વોર્ડના સેનેટરી વિભાગમાં સફાઈ સેવક સંવર્ગ-4માં 1,200 નવી જગ્યા ઉભી કરવા તથા મહેકમ શિડ્યુલમાં આંતરિક ફેરફાર કરવા અંગેની દરખાસ્ત અંતિમ મંજૂરી માટે કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂ કરવામાં આવી છે.વડોદરા કોર્પોરેશનનો 158.60 યો.કિ.મી. હદ વિસ્તાર હતો અને 4 ઝોનમાં 12 વહીવટી વોર્ડમાં વિસ્તારમાં સેનેટરી વિભાગમાં સફાઇ સેવક સંવર્ગ-4 માં 2988 નું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. એ પછી સરકારના જુદા જુદા જાહેરનામાના આધારે કોર્પોરેશનની હદમાં વધારો થયો છે. જેમાં ગોરવા, હરણી, સમા, તરસાલી ,બાપોદ, કલાલીના આઉટ ગ્રોથ વિસ્તારો ભાયલી, સેવાસી, વેમાલી ,બિલ, ઉંડેરા, કરોળિયા, વડદલા વગેરે ગામોનો સમાવેશ થતા કોર્પોરેશનની હદમાં 57.48 ચોરસ કિલોમીટર વિસ્તારનો વધારો થતાં વડોદરા ની કુલહદ વધીને 216.08 ચોરસ કિલોમીટર થયેલ છે.
આમ ,હદ વિસ્તારમાં વધારો થતા સફાઈ નું ધોરણ જાળવી રાખવા માટે વહીવટી વોર્ડના સેનેટરી વિભાગમાં સફાઇ સેવક સંવર્ગ-4 જગ્યામાં વધારો કરવા ની આવશ્યકતા ઊભી થઈ છે. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા તારીખ 1 -4- 2022 થી 12 ને બદલે 19 વહીવટી વોર્ડ કાર્યરત કરવામાં આવેલ છે. પ્રતિ ચો. કિ.મી. 19 સફાઇ સેવકની ગણતરી કરતાં શહેરના વિસ્તાર તથા વસ્તીને ધ્યાને લઇ વોર્ડના સેનેટરી વિભાગમાં સફાઇ સેવક ના મેહકમમાં 1200 સફાઇ સેવકનો વધારો કરવાપાત્ર છે. રોજીંદારી કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો પણ કાયમી સફાઇ સેવકોની નવી જગ્યાઓ ઉપસ્થિત કરવાની જરૂરીયાત છે .સેનેટરી વિભાગમાં કૂલ-4188 સફાઇ ની જગ્યા ઉપસ્થિત થતાં વહીવટી વોર્ડના ભૌગોલીક વિસ્તાર, રહેણાંક વિસ્તાર, વસ્તી વોર્ડના મહેકમના શિડયુલની આંતરીક જગ્યામાં ફેરફાર કરવામાં આવશે.