વડોદરામાં ધોયેલા વાસણનું પાણી ઢોળતા બે પાડોશીઓ વચ્ચે પથ્થર વડે હુમલો
image : Freepik
Vadodara Crime : પાદરા પોલીસ મથકની હદમાં ડભાસા ગામે પાણી ઢોળવા બાબતે પાડોશી પરિવારો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મામલે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક ફરિયાદમાં મહિલાએ પાણી ઢોળવા અંગે ટોકતા તેને પથ્થર માર્યો હોવાનું જણાવ્યું છે. જેમાં તેણીને આંખની નીચે બે ટાંકા આવ્યા છે. તો બીજી ફરિયાદમાં મહિલાને ધમકી મળી હોવાનો ઉલ્લેખ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાદરા પોલીસ મથકમાં જ્યોતિકાબેન ઠાકોરલાલ અધ્યારૂ (રહે,ડભાસા)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, બે દિવસ પહેલા તેઓ ધાબા પર ચાલવા ગયા હતા. ત્યારે બાજુમાં રહેતા નયનાબેન જગદીશભાઇ પરમારે તેમના ઘરે વાસણો ઘોયેલાનું પાણી તેમના ઘર તરફ ઢોળ્યુ હતું. જેથી તેમણે કહ્યું કે, અમારા ઘર તરફ શું કામ પાણી ઢોળો છો? સામેથી જવાબ આવ્યો કે, ગામના બધા જ લોકો પાણી ઢોળે છે, તો તમે તેને કહેવા જાઓ છો? જે બાદમાં બોલાચાલી થઇ હતી. તેવામાં તેમના પતિ જગદીશ પરમાર, કનુ પરમાર અને ચકા ગોહિલ આવી ગયા હતા અને હાથમાં પથ્થર લઇ મારતા તેમને આંખની નીચેના ભાગે વાગ્યું હતું. બાદમાં તેઓ નીચે પડી ગયા હતા. તેવામાં તેઓ આવીને કહેવા લાગ્યા કે, આ વખતે તો આ લોકોને જીવતા જવા દેવા નથી. બાદમાં તમામે ઝઘડો કર્યો હતો. પછી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને આંખની નીચે બે ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે ઉપરોક્ત મામલે નયનાબેન જગદીશ પરમાર, જગદીશ પરમાર, કનુ પરમાર અને ચકા ગોહિલ (તમામ રહે. ડભાસા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે સામા પક્ષે રેણુકાબેન જગદીશ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, બે દિવસ પહેલા નયનાબેન ઘરે વાસણો ધોતા હતા. તેવામાં પવનના કારણે થોડું પાણી પાડોશી ઠાકોરભાઇ અધ્યારૂના ઘરે ગયું હતું. જેથી ઠાકોર અને તેમના પત્નિ જ્યોતિકાબેન કહેવા લાગ્યા કે, તમે કેમ અમારા ઘર તરફ પાણી ઢોળો છો. સામે નયનાબેને કહ્યું કે, પવનમાં થોડુંક પાણી ઢોળાયેલું છે. બાદમાં બોલાચાલીનો અવાજ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. તેવામાં ઠાકોરે તેમના ધાબા પરથી કહ્યું કે, હવે જો મારા ઘર તરફ પાણી ઢોળાયું તો જાનથી મારી નાંખીશ. આખરે જ્યોતિકાબેન ઠાકોર અધ્યારૂ અને ઠાકોર જગદીશભાઇ અધ્યારૂ (બંને રહે. ડભાસા) સામે ફરિયાદ નોંધાવવા પામી છે.