વાયરિંગ ઉંદરો કાપી જતા પોપ્યુલેશન ક્લોક બંધ
અગાઉ પણ ટેકનિકલ ફોલ્ટ થતા ફિગર ચોંટી જતા હતા; વારંવાર વિક્ષેપ સર્જાય છે
વડોદરા,એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીના એન્ટ્રીગેટ પાસે મૂકવામાં આવેલી રાજ્યની પહેલી અને એકમાત્ર પોપ્યુલેશન ક્લોક અગાઉ પણ ટેકનિકલ ફોલ્ટ થવાથી વિક્ષેપ પામી હતી. હવે ફરી તેમાં વાયરીંગ ફોલ્ટ થતાં ફિગર જોઇ શકાતા નથી. ગઇકાલે સવારે આ ક્લોક બંધ જણાઇ હતી તેનું કારણ એ કે આ ક્લોકનું જ્યાં સ્વીચ બોર્ડ છે ત્યાં ઉંદરોએ વાયરીંગ કાપી નાખ્યું હોવાથી આવું બન્યું છે.
આ બોર્ડ વારંવાર ચાલુ બંધ થયા કરે છે, એવું સિક્યુરિટી દ્વારા જાણવા મળ્યું છે. અગાઉ ટેકનિકલ ફોલ્ટ અને હવે વાયરીંગ કટ થવાના કારણે આમ બન્યું છે. આ ક્લોકમાં ટેકનિકલ ફોલ્ટ થતો હોવાના કારણે ઘણી વખત આંકડા સ્પષ્ટ જોઇ શકાતા નથી અને ફિગર ચોંટી જતા હોવાથી વાંચી પણ શકાતા નથી. સામાન્ય રીતે દેશની વસ્તીની જાણકારી લોકો પાસે હાથવગી હોતી નથી, ત્યારે લોકોને તેની માહિતી મળતી રહે અને આ બાબતે જાગૃતિ આવે તે હેતુથી કેન્દ્ર સરકારે જ્યાં પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર છે, ત્યાં આ ઘડિયાળ મુકવાનો નિર્ણય કર્યો હતો. એમએસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી ખાતે પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર આવેલું છે. જેથી અહીં આ ક્લોક મૂકવામાં આવી છે, અને તેના ઉપર દેશ અને રાજ્યની વસ્તીના આંકડા રાઉન્ડ ધ ક્લોક પ્રદર્શિત થતા રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર દ્વારા આ ઘડિયાળનું સંચાલન કરવામાં આવે છે. આ ક્લોક ગયા વર્ષે ઇન્સ્ટોલ કરવામાં આવી હતી અને તારીખ ૨૧ સપ્ટેમ્બરે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.