'અમારા જુના વીજ મીટર પાછા આપો...', વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધમાં હવે સહી ઝુંબેશ શરૂ કરાશે
Smart Meter Controversy Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા બિલ ત્રણ ગણું આવતું હોવાની આશંકાના આક્રોશ સાથે શરૂ થયેલા વિરોધનો વંટોળ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આવા વીજ મીટરના બદલે જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર લગાવી આપવા સહિત બિલિંગ સિસ્ટમ શરૂ કરવા અને વીજ નિગમના ખાનગીકરણ સામે સહી ઝુંબેશ કરાશે.
શહેરના અકોટા, ફતેગંજ, મૂંઝ મહુડા, સમા સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં વીજ નિગમ દ્વારા જુના કોમ્પ્યુટર મીટર કાઢીને નવા પ્રી-પેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા હતા. આવા વીજ મીટર બાબતે સ્થાનિક મીટર ધારકને કોઈપણ જાતની સમજણ આપ્યા વિના રનીંગ વીજ બિલ મેળવી લીધા બાદ સ્માર્ટ મીટર લગાવી દેવાયા હતા. જ્યારે રનીંગ બિલ આપવાનો ઇનકાર કરનારને જુદા જુદા બહાના હેઠળ ધમકી આપવામાં આવતી હતી. તમારી ધરપકડ થશે કે પછી 10 હજાર સુધીનો દંડ પણ થઈ શકે છે તેમજ રિચાર્જ કરવા અંગે કોઈ સમજ અપાતી ન હતી. જ્યારે બીજી બાજુ આવા સ્માર્ટ વીજ મીટરના કારણે ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાની મીટર ધારકોએ ફરિયાદો કરી હતી. વિવિધ વિસ્તારોમાંથી આવી બુમો ઉઠતા સ્વયંભૂ આંદોલન શરૂ થયું હતું.
'અમારા જુના વીજ મીટર પાછા આપો'
વીજ ધારકોએ જણાવ્યું હતું કે, 'અમારા જુના વીજ મીટર પાછા આપો અને સ્માર્ટ વીજ મીટર કાઢી જાવ.' કેટલીક વીજ નિગમ પાસે એકત્રિત થતા સ્થાનિક લોકોએ વીજ કચેરીએ ઘૂસી જઈને તોડફોડ પણ કરી હોવાની બૂમો ઊઠી હતી. ઠેર-ઠેર પોલીસને બોલાવવાની પણ નોબત આવી હતી. અંતે તંત્રને જાતજાતના ખુલાસા કરવા પડ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ અંતે મોકૂફ કરવો પડ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક ગ્રાહકની મંજૂરી વિના નવું વીજ મીટર લગાવવું નહીં એવો તંત્ર એ ખુલાસો પણ કરવો પડ્યો હતો.
આમ છતાં હજી પણ લોકોનો આક્રોશ નવા સ્માર્ટ મીટર સામે હજી ઘટતો નથી. દિન પ્રતિદિન હજી આક્રોશ વધી રહ્યો છે ત્યારે ગુજરાત ઈલેક્ટ્રીક સીટી યુઝર્સ એસોસિએશન દ્વારા શહેરમાં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડવાના વિરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જૂના કોમ્પ્યુટરાઈઝડ વીજ મીટર પુનઃ ઇન્સ્ટોલ કરવા તથા બિલિંગ સિસ્ટમ ફરીથી શરૂ કરાવવા માટે તથા વીજ ખાતાના ખાનગીકરણની વિરુદ્ધમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ શહેરની મધ્યમાં મંગળ બજાર પાસે પદ્માવતી શોપિંગ સેન્ટર, ન્યાય મંદિર ખાતે આજે સાંજે 5 વાગ્યાના સુમારે રાખવામાં આવ્યો છે.