Get The App

દેશી જેઠીમધમાં કેન્સર સહિતની ૧૭ બીમારીઓ સામે લડવાના તત્ત્વો મળ્યા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
દેશી જેઠીમધમાં કેન્સર સહિતની ૧૭ બીમારીઓ સામે લડવાના તત્ત્વો  મળ્યા 1 - image

વડોદરાઃ ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો છે.જેની નજીકની લાખો એકર જમીનમાં વધારે પડતી ખારાશના કારણે વધારે ખેતી થઈ શકતી નથી. ઉજજડ ગણાતી આ જમીનમાં દેશી જેઠીમધના પ્લાન્ટસ ઉગાડવામાં આવે તો આ જમીન ખેડૂતો માટે સોનાની ખાણ સમાન પૂરવાર થઈ શકે છે તેવુ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના સંશોધકોનુ કહેવુ છે.

બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.પી એસ નાગરના માર્ગદર્શનમાં મન્નુ દ્વિવેદી નામની વિદ્યાર્થિની છેલ્લા સાત વર્ષથી દેશી જેઠીમધના ગુણકારી તત્વો પર સંશોધન કરી રહી છે.ભારતમાં આમ તો તેની બે પ્રજાતિ જોવા મળે છે.આ પૈકીની એક ગુજરાતમાં જોવા મળતી પ્રજાતિ બોટનીની ભાષામાં ટેવરનેરા ક્યુનેફોલિઆ તરીકે ઓળખાય છે. જે વાઈલ્ડ લિકોરિસ અથવા દેશી જેઠીમધ તરીકે પણ જાણીતી છે.

સંશોધકોનુ કહેવુ છે કે, ભારતમાં ૧૨૫૦ હર્બલ અને કોસ્મેટિક ફોર્મ્યુલામાં જેઠીમધનો ઉપયોગ થાય છે પણ આ જેઠીમધ ભારતની કંપનીઓ પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાખિસ્તાન જેવા દેશોમાંથી મંગાવે છે.જેના માટે કરોડો રુપિયાનુ વિદેશી હુંડિયામણ વપરાય છે.જો ભારતમાં જ દેશી જેઠીમધ ઉગાડીને તેનો ઉપયોગ કરવામાં આવે તો હુંડિયામણ પણ બચી શકે છે અને ખેડૂતોને સારામાં સારી કમાણી થઈ શકે છે.ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળના નેશનલ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડના ધ્યાનમાં પણ આ વાત લાવવામાં આવી હતી.જેના કારણે બોર્ડે દેશી જેઠીમધના છોડનુ કેમિકલ એનાલિસિસ કરવાની જવાબદારી બોટની વિભાગને સોંપી હતી.આ એનાસિલિસનો એક મોનોગ્રાફ બનાવીને અમે આયુષ મંત્રાલયને મોકલી આપ્યો છે.દેશી જેઠી મધમાં કેન્સર, ડાયાબિટિસ જેવા ૧૭ પ્રકારના રોગો સામે લડી શકે તેવા તત્વો કેમિકલ એનાલિસિસમાં અમને જાણવા મળ્યુ છે.ગુજરાતનો આ પહેલો વાઈલ્ડ પ્લાન્ટ છે જેનુ કેમિકલ એનાલિસિસ નેશનલ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડે કરાવ્યુ હોય.જેની પાછળનો ઈરાદો આખા દેશમાં દેશી જેઠીમધની ખેતીને  પ્રોત્સાહન આપવાનો છે.

૧૨૫૦ પ્રકારના હર્બલ અને કોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં જેઠીમધનો ઉપયોગ 

ભારતમાં અત્યારે મુખ્યત્વે દેશી જેઠીમધની ખેતી પંજાબ અને હરિયાણાની ફળદ્રુપ જમીનમા થાય છે.જોકે તેની ગુણવત્તા અન્ય દેશોથી મંગાવાતા જેઠીમધ જેવી નથી અને ભારતના હર્બલ તેમજ કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીની માંગને પૂરી કરવા માટે પૂરતી નથી.કારણકે લગભગ ૧૨૫૦ હર્બલ અને કોસ્મેટિક ફોર્મ્યુલેશન માટે જેઠીમધની જરુર પડે છે.બીજી તરફ  ગુજરાતમાં જોવા મળતા દેશી જેઠીમધના પ્લાન્ટસમાં વિદેશી જેઠીમધ જેટલા જ ગુણકારી તત્વો કેમિકલ એનાલિસિસમાં સામે આવ્યા છે.અમુક તત્વો તો વિદેશના પ્લાન્ટ કરતા પણ વધારે માત્રામાં છે.


્ગમે તેટલી ખારી જમીનમાં ખેતી થઈ શકે, પાણીની જરુર પડતી નથી

સંશોધકોનુ માનીએ તો, દેશી જેઠીમધના પ્લાન્ટસને વધારાના પાણીની પણ જરુર નથી પડતી.જમીનમાં ક્ષારની માત્રા વધારે હોય તો પણ તે આસાનાથી ઉગે છે.જેના કારણે તેની ખેતી પણ સસ્તી પડી શકે તેમ છે.એક જ વર્ષમાં તે ઉપયોગમાં લઈ શકાય છે. તેની અંદર એટલા જ ગુણકારી તત્વો છે જેટલા અન્ય દેશના જેઠીમધના પ્લાન્ટસમાં છે.આમ ગુજરાતની જે જમીન ખારોપાટ ગણાય છે તે આ પ્લાન્ટની ખેતીથી કમાણી કરાવી શકે છે.

કયા પ્રકારના તત્ત્વો શેના માટે ઉપયોગી

આરચેન્જેલિસિનઃ દાંતના દુખાવા માટે

સ્ટેરલડિહાઈડ, લ્યુપીનોન, બેટુલિનિક એસિડઃ એચઆઈવીની બીમારી માટે

વલ્ગેરિન અને મોમોરડિસિનિઃ ડાયાબિટિસ માટે

ચિકુસેટસએપ્રોનિનઃ સ્થૂળતા ઓછી કરવા

નોબિલિન એન્ડ જિન્જરડાઓનઃ એન્ટી ઓક્સિડન્ટ

થીઓનેલાસ્ટેરોલ, ટેટ્રાડિસાઈલ ફોસ્ફોનેટ, નેબ્રોસ્ટેરોઈડ સહિતના આઠ તત્વોઃ કેન્સરની બીમારી માટે

લ્યુસીઓસાઈડઃ કાર્ડિઓવાસ્ક્યુલર ડિસઓર્ડર

લ્યુપીનોન અને નાઈજિરોસઃ ઈમ્યુનિટી માટે


Google NewsGoogle News