પત્નીની પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ : મારો પતિ દારૃ અને તાડીનો ધંધો કરે છે
અટલાદરા પોલીસમાં ફરિયાદ કરવા છતાંય કોઇ કાર્યવાહી ના થઇ : પીસીબીએ રેડ પાડી
વડોદરા,બિલ ગામ મઢી વિસ્તારમાં દારૃ અને તાડીનું વેચાણ કરી અરાજકતા ફેલાવતા દિયર - ભાભી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીને કંટાળી ગયેલી મહિલાએ છેવટે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરતા પીસીબી પોલીસે રેડ પાડીને ભાભી - દિયરને ઝડપી પાડી દારૃ અને તાડીનો જથ્થો કબજે કર્યો છે.
બિલ ગામ મઢી વિસ્તારમાં રહેતા મીનાબેન મહેશભાઇ ચૌહાણે પોલીસ કમિશનર કચેરીમાં પતિ મહેશ મફતભાઇ ચૌહાણ તથા જેઠાણી કૈલાસબેન બળવંતભાઇ ચૌહાણ સામે ફરિયાદ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા જેઠ બળવંતભાઇ અગાઉ દારૃનો ધંધો કરતા હતા. મારા જેઠ ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. ત્યારબાદ મારા પતિએ તેમના ભાભી સાથે દારૃનો ધંધો શરૃ કર્યો છે. તેઓએ દેશી દારૃની ભઠ્ઠીઓ શરૃ કરી છે. મંદિર પાસે જ દારૃની પેટીઓ ઉતારે છે. બહારથી પણ અસામાજિક તત્વો આવીને ધમાલ કરે છે. અગાઉ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી છે.પરંતુ, સામા વાળાની પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી ખુલ્લેઆમ તલવાર લઇને ધમકી આપે છે કે, મારો દારૃનો ધંધો બંધ થવાનો નથી. પોલીસ મારૃં કશું બગાડી લેવાની નથી.
આટલા ગંભીર આક્ષેપો છતાંય અટલાદરા પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી. છેવટે પીસીબી પોલીસે ઉપરોક્ત વિસ્તારમાં રેડ પાડીને મહેશ ચૌહાણ અને કૈલાસબેનને ઝડપી પાડયા છે.મહેશ સામે અગાઉ ચાર અને કૈલાસબેન સામે અગાઉ બે ગુના નોંધાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૪૦ લીટર દેશી દારૃ અને ૩૮૦ લીટર તાડી તેમજ રોકડા ૨,૪૯૦ કબજે કર્યા છે. જ્યારે પાદરા તાલુકાના જવરીપુરા ગામે રહેતા નટુ પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસ સાથે સાંઠગાંઠની વાત તદ્દન ખોટી છે, મહિલા પુરાવા આપે ઃ પી.આઇ.
વડોદરા,આ રેડ અને આક્ષેપો અંગે અટલાદરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.કે.ગુર્જરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મીનાબેન મને ક્યારેય ફરિયાદ આપવા આવ્યા નથી. અમે પણ અગાઉ રેડ કરી છે. તેમજ પોલીસ સાથે સાંઠગાંઠની વાત તદ્દન ખોટી છે. મીનાબેન પુરાવા આપે. આ પતિ - પત્નીનો ઝઘડો છે. જેથી,ખોટા આક્ષેપો થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મીનાબેને પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપ્યા પછી પણ બિલ ગામમાં દારૃ અને તાડી વેચાતા હતા. તે અંગે અટલાદરા પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી.