પ્રતાપ નગર બ્રિજ પર દંપતી ઉપર ફાયરિંગ થતા પત્ની લોહીલુહાણ

પોલીસ તપાસમાં ભાંડો ફૂટયો કે, બેડરૃમમાં જ પતિની પિસ્તોલમાંથી ફાયરિંગ થતા પત્નીને ગોળી વાગી

પતિ કહે છે કે, ભૂલથી ગોળી છૂટી, પત્ની ભાનમાં આવ્યા પછી સાચી હકીકત બહાર આવશે

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
પ્રતાપ નગર બ્રિજ પર દંપતી ઉપર  ફાયરિંગ થતા પત્ની લોહીલુહાણ 1 - image

 વડોદરા,દંતેશ્વર સંતોષવાડીમાં રહેતું દંપતી બાઇક પર પ્રતાપ નગર બ્રિજ પરથી જઇ રહ્યું હતું, ત્યારે અન્ય  બાઇક ચાલકે ફાયરિંગ કરતા દંપતી પૈકી  પત્નીને ગંભીર ઇજા થઇ હોવાની માહિતી સાથે મકરપુરા પોલીસે તપાસ શરૃ કરતા એવો ઘટસ્ફોટ થયો કે, બેડરૃમમાં  પતિની  જ પિસ્તોલમાંથી છૂટેલી ગોળી પત્નીને વાગી હતી. જ ેઅંગે મકરપુરા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ બાવળા ગામે રહેતા હીરાસીંગ લક્ષ્મણસીંગ પટવાની ૨૦ વર્ષની પુત્રી કોમલના લગ્ન ગત તા.૨૫મી ઓક્ટોબરે  દંતેશ્વરના સંતોષવાડી ખાતે રહેતા જયસીંગ શેરાસીંગ સિંક્લીગર સાથે થયા હતા.  મધરાતે ત્રણ વાગ્યે ખાનગી  હોસ્પિટલમાંથી મકરપુરા  પોલીસને જામ કરવામાં આવી હતી કે, કોમલ તેના પતી સાથે ગઇકાલે રાતે દશ વાગ્યે પ્રતાપ નગર બ્રિજ પરથી જતી હતી. ત્યારે અજાણ્યા  હુમલાખોરોએ ફાયરિંગ કરી માથામાં ઇજા પહોંચાડી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને એવા પુરાવા મળ્યા હતા કે, ફાયરિંગની ઘટના બેડરૃમમાં જ બની છે. જેથી, પોલીસે કોમલના પતિ જયસીંગની સઘન પૂછપરછ  હાથ ધરતા છેવટે તે ભાંગી પડયો હતો. તેણે કબૂલ કર્યુ હતું કે, અમે  પતિ પત્ની ઘરે હતા. તે દરમિયાન ભૂલથી મારી પિસ્તોલમાંથી  ફાયરિંગ થતા મારી  પત્નીના લમણાના ભાગે ગોળી વાગી માથામાં ખૂંપી  ગઇ હતી. 

લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી કોમલને સારવાર માટે જેતલપુર રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે એસીપી ક્રાઇમ એચ.એલ.રાઠોડે જણાવ્યું હતું કે, હાલમાં તો આરોપી જણાવે છે કે, પિસ્તોલમાંથી ભૂલથી ગોળી છૂટી ગઇ હતી. જોકે, પરિણીતા  હાલમાં ડીડી આપી શકે તેવી સ્થિતિમાં નથી. તે ભાનમાં આવ્યા પછી જ સાચી હકીકત જાણી શકાશે.મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે આ અંગે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ઇજાગ્રસ્ત પરિણીતા પાંચ કલાક સુધી ઘરમાં જ કણસતી રહી : કોઇ દવાખાને ના લઇ ગયું

વડોદરા,રાતે દશ વાગ્યે બેડરૃમમાં કોમલને ગોળી વાગ્યા પછી તેને સારવાર માટે મધરાતે ત્રણ વાગ્યે ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. બનાવના પાંચ કલાક સુધી કોમલ ઘરમાં જ લોહીલુહાણ હાલતમાં કણસતી રહી હતી. ઘરમાં પતિ જયસીંગ ઉપરાંત સાસુ અને નણંદ પણ હતા. તેઓએ પણ ઇજાગ્રસ્ત કોમલને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા નહતા. જેના લીધે કોમલ  હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.  જો તેને સમયસર અને ઝડપી સારવાર મળી હોત તો તેના બચવાના ચાન્સ વધી જાત. હાલમાં તેની હાલત અત્યંત નાજુક છે.



બેડરૃમમાંથી મળેલા કારતૂસના ખાલી ખોખાએ પોલ ખોલી નાંખી

વડોદરા,

પોલીસે શરૃઆતમાં પરિવારજનોને અલગ - અલગ રાખી પૂછપરછ કરતા વિરોધાભાસ જણાયો હતો. જ્યારે બનાવ પ્રતાપનગર બ્રિજ પર બન્યો હોવાનું જણાવવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં  કોઇપણ વ્યક્તિ બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિસ હોસ્પિટલમાં લઇ જાય.પરંતુ, આ કિસ્સામાં પતિ ઇજાગ્રસ્ત પત્નીને લઇને ઘરે ગયો હોવાનું જણાવવામાં આવે છે. જેથી, પોલીસે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ કરતા બેડરૃમમાંથી ગોળીનું ખાલી ખોખું મળી આવ્યું હતું. જેથી, ફાયરિંગની ઘટના બેડરૃમમાં જ બની હોવાનું સ્પષ્ટ થયું હતું.


નમલોહીના ડાઘા સાફ કરાતા  પુરાવાના નાશની કલમનો ઉમેરો કરાશે

વડોદરા,માત્ર એક જ મહિના પહેલા કોમલના લગ્ન થયા હતા. એક જ મહિનામાં આવો બનાવ બનતા પોલીસે તપાસ તે દિશામાં તપાસ શરૃ કરી છે. જયસીંગને બચાવવા માટે તેના  પરિવારજનોએ પણ સપોર્ટ કર્યો હતો. બેડરૃમની દીવાલો  પર તેમજ ફર્સ પર લોહીના ડાઘા એફ.એસ.એલ.ની તપાસમાં મળી આવ્યા હતા. આરોપીના પરિવારજનોએ  લોહીના ડાઘા સાફ કર્યા હતા. જેથી, આ કેસમાં પુરાવાનો નાશ કરવાની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. તેવું તપાસ અધિકારીએ જણાવ્યું છે. 



સસરા પકડાયા અને પુત્રવધૂને ગોળી વાગી

 વડોદરા,પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જયસીંગના  પિતા સામે ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે. અને ગઇકાલે જ તેઓ ચોરીના ગુનામાં પકડાયા છે. અને ગઇકાલે જ ફાયરિંગની ઘટના બની છે. આ બંને ઘટના વચ્ચે કોઇ સંબંધ છે કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્ત કોમલને લઇને તેના પતિ તથા અન્ય સાસરિયાઓ બે થી ત્રણ હોસ્પિટલમાં ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ ગયા હતા. પરંતુ, મેડિકલ ઓફિસરે બનાવ કઇ રીતે બન્યો તેની હિસ્ટ્રી પૂછતા તેઓ ઇજાગ્રસ્તને લઇને જતા રહ્યા હતા.



પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ કબજે કરતી પોલીસ

 વડોદરા,પોલીસે આરોપી પતિ જયસીંગ પાસેથી પિસ્તોલ કબજે કરી છે. તેમજ ત્રણ જીવતા કારતૂસ પણ તપાસ અર્થે કબજે લીધા છે. આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો ? અગાઉ કોઇ ગુનો આ હથિયારથી થયો છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે.



કોમલના પિતાને  પણ આરોપીના પરિવારે જાણ ના કરી

વડોદરા, કોમલને ગોળી વાગી હોવાની જાણ તેના  પિતાને પણ સાસરિયાઓએ કરી નહતી. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેમના સાળા શતનામસીંગે ફોન કરીને જાણ કરી હતી કે, જીજાજી તમે આવ્યા કે નહીં. કોમલને ગોળી વાગી છે. હું હોસ્પિટલમાં જઉં છું, તમે આવો. જેથી, કોમલના  પિતા વડોદરા આવ્યા  હતા. તેઓ હોસ્પિટલમાં ગયા ત્યારે ચોથા માળે આઇ.સી.યુ.માં તેમની દીકરીની સારવાર ચાલુ હતી. તેમના જમાઇ જયસીંગે જણાવ્યું હતું કે, એક બાઇક ચાલકે ગોળી મારતા હું સહેજ ખસી જતા ગોળી મારી પાછળ બેસેલી કોમલને વાગી ગઇ હતી.


Google NewsGoogle News