પત્નીએ વીડિયો બનાવી વાયરલ કરી ઝેર પીધું ઃ પતિના બીજા લગ્ન સ્થગિત
વડોદરાના તાંદલજામાં આદિલના બીજા લગ્ન જે યુવતી સાથે થવાના હતા તે યુવતીના પિતાએ સોશિયલ મીડિયા પર જાહેરાક કરી બધાની ક્ષમા માંગી
ભરૃચ તા.૩ ભરૃચ જિલ્લાના અંકલેશ્વર પંથકના કાપોદ્રા ગામે મામાના ઘરે રહેતી યુવાન પરિણીતાએ છૂટાછેડા આપ્યા વિના પતિ બીજી યુવતી સાથે લગ્ન કરનાર હોવાની પત્રિકા પોતાની પાસે આવતા જ પરિણીતાએ ગંભીર પ્રકારના આક્ષેપ કરતો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા પતિએ બીજા લગ્ન મોકૂફ કર્યા હતાં.
કાપોદ્રા ગામે રહેતી નીલોફર કડીવાલાના લગ્ન ૨૦૨૧માં વડોદરાના તાંદલજા ખાતે રહેતા આદિલ ઈકબાલ હાજી અબ્દુલ રહેમાન કડીવાલા સાથે થયા હતાં. બંને વચ્ચે અણબનાવ થતાં આદિલે નીલોફરને પિયર છોડી દઇ વકીલ મારફતે ટ્રિપલ તલાકની નોટિસ આપી છૂટાછેડા આપ્યા હોવાનું માની વડોદરાના તાંદલજાની યુવતી કરિશ્મા સાથે લગ્ન નક્કી કર્યા હતાં. બંનેના લગ્નની પત્રિકા નીલોફર પાસે આવતા નીલોફરે આદિલના બીજા લગ્ન ખોટા અને ગેરકાયદે હોય તેવા આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ આપી હતી. આખરે નીલોફરે ઝેરી દવા ગટગટાવી લેતા પહેલા પોલીસ, પતિ તેમજ સાસરિયા સામે ગંભીર પ્રકારનો આક્ષેપ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. ઝેરી દવા ગટગટાવી લેનાર નીલોફરની હાલત હાલત ગંભીર છે.
નીલોફરનો પતિ જે યુવતી સાથે લગ્ન કરવાનો હતો તે યુવતીના પિતાએ સોશિયલ મીડિયાના વોટ્સએપ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના ગૃપમાં નીલોફરના વીડિયો બાદ સાંજના પિતાએ મેસેજ મૂકી લખ્યું છે કે તારીખ ૩-૩-૨૦૨૪ના રોજ મારી દીકરીના નિકાનામાં નિમિત્તે ભોજન સમારંભ સહિત તમામ અન્ય કાર્યક્રમો ખાસ સંજોગોને લઈ સ્થગિત કરવામાં આવ્યા છે.તકલીફ બદલ ક્ષમા. વોટ્સએપનો આ મેસેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.