પત્નીએ ઝઘડો કરતા પતિને પાઇપના ઘા મારી પતાવી દીધો
કંપનીમાં કામ કરતી વખતે અને ઘરમાં પતિ નાની નાની બાબતોમાં વારંવાર ઝઘડો કરતો હતો
સાવલી તા.૧૪ વડોદરા નજીક આવેલ સોખડા ગામની સીમમાં કુબેર એક્ઝિમ નામની ફેક્ટરીમાં કામ કરતા પતિ અનેપત્ની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિના માથામાં પાઇપ મારી કરપીણ હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
સોખડા ગામની સીમમાં હરિધામ જતા રોડ પર કુબેર એક્ઝિમ નામની ફેક્ટરી આવેલી છે જેના માલિક મહેન્દ્રભાઈ હરમાનભાઈ પટેલ છે. આ ફેક્ટરીમાં જુદી જુદી કંપનીઓના પ્લાસ્ટિકનો માલ લઈને જોબ વર્ક કરીને પ્લાસ્ટિકના દાણા બનાવાય છે. કંપનીમાં કુલ ચાર મજૂરો કામ કરે છે અને કંપનીમાં જ રહે છે જેમાંથી છેલ્લા છ માસથી કંપનીમાં કામ કરતા રઝાક રમજાન ખાન અને તેની પત્ની રઈશાબાનું દીકરા અશરફ સાથે રહેતા હતાં.
ગઇકાલે રઝાક અને તેની પત્ની ફેક્ટરી પર આવ્યા ન હતા અને કંપનીના કામદાર પપ્પુભાઈએ મહેન્દ્રભાઇને ફોન કરી જણાવેલ કે રજાક કઈ બોલતો નથી અને તેની પત્ની બહુ રડે છે તો તમે તાત્કાલિક કંપની પર આવી જાવ જેથી મહેન્દ્રભાઈએ તેના ફોનથી રજાકની પત્ની સાથે વાત કરેલ અને તેને શું થયું છે તેમ પૂછતા તેણીએ જણાવેલ કે રજાક રાત્રે મારી સાથે ઝઘડો કરી મને પાઇપ લઈને મારવા આવેલ તે વખતે મારાથી તેને પાઇપ વાગી ગયા બાદ તે કઈ બોલતો નથી તેવું જણાવ્યું હતું.
મહેન્દ્રભાઇએ ૧૦૦ નંબર પર ડાયલ કરી પોલીસને ઘટનાની જાણ કરી અને પોતે કંપની પર આવીને જોયું તો કંપનીની રૃમમાં રજાકખાન લોહીલુહાણ હાલતમાં પલંગ પર પડેલ હતો અને પલંગની પાછળ એક એસએસની પાઇપ લોહીથી ખરડાયેલ પડી હતી. રજાકની પત્ની રઈશાને પૂછતા તેણીએ જણાવેલ કે કંપનીમાં સાંજના સમયે ઝઘડો કરતા અન્ય કામદારોએ તેને છોડાવી હતી અને રાત્રિના નવ વાગ્યા પછી બધા સૂઈ ગયા બાદ ફરીથી ઝઘડો કરતા મેં તેને પાઇપ વડે માથામાં પાઇપ મારતા તે પલંગ પર પડી ગયેલ અને હું પણ બેભાન થઈ ગઈ હતી પછી ભાન આવતા જોયું તો પતિ મરણ હાલતમાં પલંગ પર પડેલ હતો. મંજુસર પોલીસેે ફેક્ટરીના માલિકની ફરિયાદના આધારે હત્યાની કલમ ૧૦૩ (૧) એન એસ મુજબ ગુનો નોંધી આરોપી પત્ની રઈશાબાનુ રજાકખાન ખાન (હાલ રહે.સોખડા, મૂળ કાગમાળા, તા.રાણીવાડા, જિલ્લો જાલોર રાજસ્થાન) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.