દંપતીને ફોર વ્હીલના ચાલકે ટક્કર મારતા પત્નીને ગંભીર ઇજા થતા મોત
આસોજ ગામે ઘરેથી દૂધ લેવા નીકળેલા યુવાનને વાહને ટક્કરથી મોત નિપજ્યું
વડોદરા,તરસાલીમાં સ્પીડ બ્રેકર પાસે બ્રેક મારનાર મોપેડ સવાર દંપતીને પાછળથી આવતા ફોર વ્હીલના ચાલકે ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાયું હતું. અકસ્માતમાં પત્નીને માથામાં ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી રાજાનંદ ડ્રવાલિંગમાં રહેતા ગોવિંદ પ્રભુદાસ પટેલ મકરપુરા ડી માર્ટ પાસે આવેલી પર્લ મેમરીઝ પ્રોજેક્ટમાં સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેમના ભાણેજને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાથી ગઇકાલે બપોરે તેઓ મોપેડ પર પત્નીને બેસાડી હોસ્પિટલમાં બીમાર ભાણેજની ખબર જોવા માટે ગયા હતા. તરસાલી પોલીસ ચોકીથી આગળ જી.ઇ.બી. કટ પાસે સ્પીડ બ્રેકર આવતા ગોવિંદ પટેલે મોપેડને બ્રેક મારી હતી. તે દરમિયાન પાછળથી એક કાર ચાલક પૂરઝડપે આવતા તેણે મોપેડને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાયું હતું. ગોવિંદ પટેલને પગ પર ઇજા પહોંચી હતી. જ્યારે મોપેડ પરથી ઉછળીને રોડ પર પટકાયેલા તેમના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. એક કાર ચાલક તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગયો હતો. જોકે, પત્ની નિકીતાબેનને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.
જ્યારે અન્ય એક બનાવમાં આસોજ નવી નગરીમાં રહેતો ૩૫ વર્ષનો ભરત રાકેશભાઇ વસાવા ઘરેથી ચાલતા દૂધ લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા તેને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મંજુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં આજવા રોડ પર રહેતો ૩૦ વર્ષનો જીજ્ઞોશ મહેશભાઇ વસાવા આજે વહેલી સવારે સવા ચાર વાગ્યે બાઇક લઇને જી.આઇ.પી.સી.એલ. સર્કલથી મંગલ પાંડે રોડ તરફ જતો હતો. તે દરમિયાન બાઇક સાથે રોડની રેલિંગ પર અથડાતા મોત થયું હતું. જે અંગે સમા પોલીસે તપાસ હાથ ધરી છે.