પતિએ પત્ની અને સાવકી પુત્રીને જીવતા સળગાવી દેતા પત્નીનું મોત

પતિની પણ હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી, જેનું રહસ્ય હજી અકબંધ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
પતિએ પત્ની અને સાવકી પુત્રીને જીવતા સળગાવી દેતા  પત્નીનું મોત 1 - image

હાલોલ.હાલોલ જી.આઇ.ડી.સી.માં રહેતા પતિએ  આડાસંબંધની શંકા રાખી પત્ની અને સાવકી પુત્રીને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નીનું મોત થયું છે. જ્યારે પુત્રી હજી સારવાર હેઠળ છે.  ત્યારબાદ પતિની પણ હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. પત્નીને સળગાવી દેનાર પતિ સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.  પરંતુ, પતિ  દિલીપસિંહની હત્યા અંગે હજી જાણકારી મળી નથી.

હાલોલ જીઆઇડીસીના દુણીયા ખાતે આવેલા સ્મશાનમાંથી ગત તારીખ ૨૭/૦૮/૨૦૨૪ મંગળવારના રોજ બપોરે દોઢ વાગ્યે  હાલોલ ટાઉન પોલીસને કાલોલ તાલુકાના બાકરોલ ગામે રણછોડ ભગત વાળા ફળિયામાં રહેતા દિલીપસિંહ નટવરસિંહ ગોહિલ (ઉં.વ.૪૫)  નો હત્યા કરીને ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં દિલીપસિંહના ગળા પર તથા  શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન હતા. પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દિલીપસિંહ નટવરસિંહ ગોહિલનું લગ્ન  પ્રસન્ન બેન સાથે થયું હતું. જેમાં તેઓને ૨૪ વર્ષનો પુત્ર હતો. જેનું આજથી ચાર વર્ષ અગાઉ અકસ્માતમાં મોત થયું હતું. છેલ્લા ૨૦ વર્ષથી દિલીપસિંહ ગોહિલ  હાલોલ જીઆઇડીસીની પનોરમા ચોકડી પાસે આવેલ આશીર્વાદ વે બ્રિજની બાજુમાં પોતાની બીજી પત્ની સજ્જનબેન (ઉં.વ.૪૫) તથા ત્રણ દીકરીઓ  સાથે રહેતા હતા. જે પૈકી છાયાબેન અને રક્ષાબેન પોતાની સાસરીમાં રહે છે. જ્યારે પુત્રી ભૂમિકાબેન, સજજનબેન અને દિલીપસિંહ સાથે રહેતા હતા. ગત તારીખ ૨૫મી એ રાત્રિના ૧૨ વાગ્યા બાદ ભૂમિકાબેન અને તેઓની માતા  સૂઈ ગયા હતા.  રાત્રિના આશરે ૨ વાગ્યે આગમાં બળવા લાગતા ભૂમિકાબેન અચાનક જાગી ગયા હતા અને જોયું હતું કે તેમના રૃમમાં આગ લાગી હતી.  જેમાં સજજનબેન દાઝેલ હાલતમાં પલંગની નીચે પડેલા હતા. જ્યારે તેઓના પિતા દિલીપસિંહ પોતે પણ શરીરે દાઝી ગયેલ હાલતમાં દોડીને રૃમનો દરવાજો ખોલી બહાર નીકળી ત્યાંથી ભાગી ગયા હતા.સારવાર દરમિયાન ૨૭મી તારીખે  સવારે સજજનબેનનું  મોત નિપજ્યું હતુ. પોલીસે ભૂમિકાબેનની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.  પોલીસે ભૂમિકાબેનની ફરિયાદના આધારે મૃતક દિલીપસિંહ નટવરસિંહ ગોહિલ સામે મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો.




Google NewsGoogle News