સમા છાણી કેનાલ રોડ પર દંપતીને કાર ચાલકે હવામાં ઉછાળતા પત્નીનું મોત
દંપતી રાતે જમ્યા પછી ચાલવા નીકળ્યા હતા : સિવિલ કોન્ટ્રાક્ટર પતિને પગ, હાથ અને પાંસળીમાં ગંભીર ઇજા
વડોદરા.સમા છાણી કેનાલ રોડ પર જમીને રાતે ચાલવા નીકળેલા દંપતીને એક કાર ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. પત્નીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂ સમા રોડ વાલ્મિક નગરમાં રહેતા વિપુલભાઇ કટુડિયા સિવિલ કન્સટ્રક્શનનું કામ કરે છે. તેઓની હાર્ડવેરની દુકાન પણ છે. ગઇકાલે રાતે તેઓ જમીને રોજિંદા ક્રમ મુજબ, પત્ની શિલ્પા સાથે ઘરેથી ચાલવા માટે સમા છાણી કેનાલ રોડ પર નીકળ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે દંપતીને અડફેટે લેતા તેઓ હવામાં ફંગોળાયા હતા. વિપુલભાઇને જમણા પગે, ડાબા હાથે તથા પાંસળીઓમાં ગંભીર ઇજા થઇ હતી.જ્યારે તેમના પત્ની શિલ્પાબેનને માથાના પાછળના ભાગે તથા જડબામાં ઇજા થઇ હતી.
અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતા. આ જ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઇ પ્રજાપતિ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સને બોલાવતા શિલ્પાબેનની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.જ્યારે વિપુલભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે છાણી વિસ્તારની જ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બ્રેકના બદલે એક્સિલેટર પર પગ પડી જતા કારની સ્પીડ વધી ગઇ
વડોદરા,અકસ્માત કરનાર આરોપી ધુ્રવ સોનુભાઇ કનોજીયા ઉં.વ.૨૩ ( રહે. સમા કેનાલ નજીક સત્ય એપાર્ટમેન્ટ) કાર પલટી ગયા પછી આગળના દરવાજાની બારીમાંથી બહાર નીકળીને ભાગી છૂટયો હતો. પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કાર ધુ્રવના બનેવીએ બે મહિના પહેલા જ આણંદથી ખરીદી હતી. ગઇકાલે રાતે ધુ્રવ કાર લઇને ફરવા નીકળ્યો હતો. બ્રેકના બદલે એક્સિલેટર પર પગ પડી જતા કારની સ્પીડ વધી ગઇ હતી. સૌ પ્રથમ તે એક રિક્ષા સાથે અથડાય છે. ત્યારબાદ દંપતીને અડફેટે લે છે. અને ત્યારબાદ નજીકમાં આવેલી હોસ્પિટલમાં ઘુસી જાય છે.
કારની સ્પીડ પ્રતિ કલાક ૯૦ કિલોમીટરથી વધારે હતી
વડોદરા,કારની સ્પીડ પ્રતિ કલાક ૯૦ થી વધારે કિલોમીટરની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ધુ્રવ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહતું. તેના બનેવી પાસેથી કાર લઇને તે ફરવા નીકળ્યો હતો. આરોપી છાણી સમા વિસ્તારમાં જ લોન્ડ્રી પ્રેસનું કામ કરે છે. ગાડીના કાગળો ચેક કરતા ગાડી ૧૫ વર્ષ જૂની છે. કારના કાયદેસરના કાગળો પણ પોલીસે ચેક કરવાનું શરૃ કર્યુ છે.
બચી ગયેલા વિપુલભાઇની કમરની નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો
વડોદરા,વિપુલભાઇને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મોટી પુત્રી ધો.૧૧ માં અભ્યાસ કરે છે. જ્યારે પુત્ર ધો.૫ માં ભણે છે. તેઓનું મૂળ વતન બોટાદ છે. વતનમાં રહેતા વૃદ્ધ માતા - પિતાને છેલ્લા બે વર્ષથી અહીંયા પોતાની સાથે રહેવા માટે લઇને આવ્યા છે. અકસ્માતના પગલે વિપુલભાઇના કમરના નીચેનો ભાગ કામ કરતો નહીં હોવાનું તેમના પરિચિત ધર્મેન્દ્રભાઇ પ્રજાપતિએ જણાવ્યું છે.
મોબાઇલ નંબર ટ્રેસ કરીને પોલીસ હિટ એન્ડ રનના આરોપી સુધી પહોંચી
અકસ્માત અંગે બનેવીને ફોન કરીને જાણ કરી હતી
વડોદરા,પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે કાર માલિકનો સંપર્ક કર્યો હતો. તેમણે કાર વડોદરમાં વેચી દીધી હોવાનું જણાવતા પોલીસ ધુ્રવના જીજાજી સુધી પહોંચી હતી. પોલીસે તેઓને અકસ્માતની જાણ કરી હતી. ત્યારબાદ ધુ્રવનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પોલીસે તેના મોબાઇલ લોેકેશનના આધારે કોલ્ડ સ્ટોરેજ પાસે સંતાઇને બેસી રહેલા ધુ્રવને ઝડપી પાડયો હતો.
અકસ્માતની જાણ તેણે બનેવીને ક્યારે કરી ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. બનેવીને રાતે જ જાણ કરી હતી તો પછી બનેવીએ પોલીસને કેમ જાણ ના કરી ? તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.