જ્ઞાન સહાયકના ઉમેદવાર સામે કાર્યવાહી થઈ શકે તો વીસી સામે કેમ નહીં?
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે ડો.વિજય શ્રીવાસ્તવની નિમણૂંક સામે કાયદાકીય જંગ છેડનાર એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતીશ પાઠકે મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખ્યો છે.
પ્રો.પાઠકે પત્રમાં જણાવ્યું છે કે, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની ભરતી પ્રક્રિયામાં જો કોઈ ઉમેદવારે શૈક્ષણિક લાયકાતથી માંડીને ખોટી જાણકારી કે ખોટા પ્રમાણપત્રો પૂરા પાડયા હશે તો તેના પર આગામી પાંચ વર્ષ સુધી નવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.આ જ રીતે અન્ય એક બહુચર્ચિત કિસ્સામાં આઈએએસ પૂજા ખેડકરે ખોટી માહિતી પૂરી પાડીને નિયમોનુ ઉલ્લંઘન કરી હોવાનુ બહાર આવ્યા બાદ તેમનુ સિલેક્શન યુપીએસસી દ્વારા રદ કરાયુ છે.
પ્રો.પાઠકે પત્રમાં આગળ કહ્યુ છે કે, તો પછી એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની પસંદગી પ્રક્રિયા વખતે જે તે સમયે ડો.શ્રીવાસ્તવે પોતાના બાયોડેટામાં પ્રોફેસર તરીકેના અનુભવની ખોટી જાણકારી રજૂ કરી હતી.આમ છતા સરકાર તેમની સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી.સરકારમાં અલગ અલગ વ્યક્તિઓ માટે નિયમો અલગ અલગ છે તેવુ પ્રસ્થાપિત થઈ રહ્યુ છે.એવુ પણ લાગી રહ્યુ છે કે, સરકાર દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે.સરકારે એ વાતની પણ તપાસ કરવી જોઈએ કે શું વાઈસ ચાન્સેલર તરીકે તેમના નામની ભલામણ કોણે કરી હતી?
પ્રો.પાઠકે પત્રમાં ફરી એક વખત માંગ કરી છે કે, ડો.શ્રીવાસ્તવને વાઈસ ચાન્સેલરના હોદ્દા પરથી દૂર કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીને પ્રો.પાઠકે વાઈસ ચાન્સેલરના મુદ્દે ચોથો પત્ર લખ્યો છે.