હંમેશા કોઇ પણ ઘટના બન્યા પછી જ તંત્ર કેમ એક્શનમાં આવે છે,વારંવાર દબાણો તોડે છે તો ફરી કેમ દબાણો થાય છે
વડોદરાઃ શહેરમાં કોઇ પણ ઘટના બને ત્યાર પછી જ તંત્ર એકાએક એક્શનમાં આવતું હોવાના વારંવાર કિસ્સા બની રહ્યા છે ત્યારે લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે મોટે ઉપાડે કાર્યવાહી કર્યા બાદ કોની મદદથી ફરીથી દબાણો ઉભા થઇ જાય છે અને આવા સમયે કોર્પોરેશનના અધિકારીઓ કેમ આંખ મીંચામણાં કરે છે.
શહેર કે રાજ્યમાં આગ લાગવાનો મોટો બનાવ બને તો તરત જ ફાયર બ્રિગેડ એક્શનમાં આવતું હોય છે અને રાતોરાત એનઓસીની કાર્યવાહી કરવા ટીમો નીકળી પડતી હોય છે.આવી જ રીતે મંગળબજાર, મચ્છીપીઠ,નાગરવાડા,ન્યાયમંદિર સહિતના વિસ્તારોમાં કોઇ હુમલો,મર્ડર કે પથ્થરમારો થાય તો તરત જ તંત્ર એલર્ટ થઇને દબાણો પર ત્રાટકે છે.રખડતા ઢોરોના કિસ્સામાં પણ કોઇ વ્યક્તિનું મોત થાય પછી તંત્ર ઢોરવાડા પર ત્રાટકતું હોય છે.
પાંચ દિવસ પહેલાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ ફરી એક વાર કોર્પોરેશને દબાણો પર હથોડો ઝીંક્યો છે.
પરંતુ સવાલ એ છે કે,કોઇ ઘટના બને પછી જ તંત્ર કેમ જાગે છે.ક્યાં સુધી બનાવ બને પછી ત્રાટકવાનો ખેલ ચાલુ રહેશે. દબાણો દૂર કર્યા બાદ ફરીથી દબાણો કેવી રીતે ઉભા થાય છે અને તે વખતે અધિકારીઓ કેમ ખામોશ રહે છે.આવા મુદ્દાનો કાયમી ધોરણે ઉકેલ આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
કોર્પોરેશન એક્શનમાં આવ્યું,વડોદરા જિલ્લા પંચાયત ક્યારે જાગશે
હરણી રોડ પર જિલ્લા પંચાયતની 25000 ફૂટ જમીન રેઢી પડી રહી છે
વડોદરા મ્યુ.કોર્પોરેશન દ્વારા દબાણો સામે ઝુંબેશ ચલાવવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતનું તંત્ર ક્યારે જાગશે તે પણ સવાલ થઇ રહ્યો છે.
જિલ્લા પંચાયતની હરણી રોડ પર અંદાજે ૨૫ હજાર ફૂટ જમીન આવેલી છે.જે રેઢી પડી રહી છે અને ખાનગી વ્યક્તિઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ ભૂતકાળમાં આક્ષેપો કરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયત દ્વારા પંચાયતના સરદાર ભવન ખાતે ડીડીઓ,પ્રમુખ અને ચેરમેનની ઓફિસો તેમજ અન્ય રિનોવેશન માટે લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.પંચાયતના સભ્યો દ્વારા હરણીરોડની જમીનને ફેન્સિંગ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ હજી સુધી ફેન્સિંગ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી.આ જમીન પર રૃ.૭ કરોડના ખર્ચે ખેડૂત ભવ બનાવાની પણ યોજના છે.જેથી કોઇ વ્યક્તિ દબાણ કરે તેની રાહ જોવાઇ રહી છે કે શું તે સવાલ થઇ રહ્યો છે.