ભારદારી વાહનો સામે કાર્યવાહી કરતા આરટીઓ અને પોલીસના હાથ કેમ ધ્રુજે છે
ઊંચા અવાજવાળા હોર્ન વગાડીને જાહેર માર્ગો ઉપર ફુલ સ્પીડથી વાહન દોડાવી ડરનો માહોલ પેદા કરી રહ્યા હોવા છતા કોઇ કાર્યવાહી નહી
વડોદરા : વડોદરા પુરની સમસ્યાથી તો બહાર આવી જશે પણ શહેરીજનોને ૩૬૫ દિવસ નડતર રૃપ ટ્રાફિકની સમસ્યા અને ભારદારી વાહનોની સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે તેની કોઇ ગેરંટી નથી. ખાસ કરીને ખાનગી બસો, કોન્ક્રિટ મિક્સરો, ડમ્પરો અને ટ્રક જેવા ભારદારી વાહનોએ જાણે આખુ શહેર બાનમાં લીધુ હોય તેવી સ્થિતિ છે અને તેની સામે કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના હાથ ટૂંકા પડી રહ્યા છે અથવા તો નિયત નથી.
હાઇ ડેસિબલ (ઊંચો અવાજવાળા) હોર્ન ઉપર પ્રતિબંધ છે, મ્યુઝિકલ હોર્ન ઉપર પ્રતિબંધ છે, નંબર પ્લેટ સ્પષ્ટ દેખાય તે રીતે તેના નિયત સ્થાને લાગેલી હોવી જોઇએ. શહેરી વિસ્તારમાંથી પસાર થતી વખતે હેવી વાહનોની સ્પીડ ૨૦ થી ૪૦ કિ.મી. હોવી જોઇએ. વડોદરામાં આ નિયમો ફકત ચોપડા ઉપર છે. શહેરના માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ અને સીસી ટીવી કેમેરા માત્રને માત્ર સામાન્ય નાગરિકોને નિશાન બનાવવા માટે છે. ઉપરના એક પણ નિયમનું પાલન હેવી વ્હિકલો દ્વારા કરવામાં આવતુ નથી. ઉપરથી પ્રતિબંધિત સમયમાં પણ આ વાહનો શહેરના માર્ગો ઉપર ટ્રાફિક પોલીસની નજર સામે જ દોડતા નજરે પડે છે
ભર ટ્રાફિકમાં પણ ભારદારી વાહનો ઊંચા અવાજના હોર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ જ કરી રહ્યા છે એવુ નથી પરંતુ આસપાસના વાહન ચાલકોને ડરાવી પણ રહ્યા છે. શહેરના રસ્તાઓ ઉપર ખાસ કરીને મહિલાઓ કે યુવતીઓ ટુ વ્હિલર લઇને જતી હોય છે ત્યારે ભારદારી વાહનોના નશાખોર ચાલકો ઊંચા અવાજના હોર્ન વગાડીને ડરાવે છે આ એક પ્રકારની છેડતી જ છે. ઘણી વખત એવુ બને છે કે હોર્નના ઊંચા અવાજથી ટુ વ્હિલરનો ચાલક ગભરાઇને કાબુ ગુમાવી દે છે અને અકસ્માત સર્જાય છે.ડમ્પરો અને ખાનગી બસો જેવા ભારે વાહનો અકસ્માતોની હારમાળા સર્જી રહ્યા છે અને આવા વાહનોની અડફેટે અકસ્માતમાં મોતના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે અને આવા કિસ્સામાં મોટાભાગે એવુ નોંધાયુ છે કે ડ્રાઇવર નશામાં હતો. આમ ભારદારી વાહનોના માલિકો અને ચાલકો દ્વારા આરટીઓ તથા ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ થતો હોવા છતાં તંત્ર તેની સામે કોઇ કાર્યવાહી કરતુ નહી હોવાથી લોકોમાં ભારે રોષ છે.