લોકસભામાં વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધ મોડી રાત્રે બેનરો લગાવવા પાછળ ભાજપ પાર્ટીમાંથી કોનો હાથ : તપાસ શરૂ
વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર
લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને વડોદરા બેઠક માટે રિપીટ કરવામાં આવતા ભાજપમાં જૂથવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. જેઓને ટિકિટ મળી નથી તેવા અસંતુષ્ટ વ્યક્તિઓ અને તેમના ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા કર્યા બાદ મોડી રાત્રે ઉમેદવાર વિરુદ્ધ ચાર પાંચ બેનરો લગાડતા તાત્કાલિક સવારે ઉતારી દેવામાં આવ્યા હતા અને હવે આ બેનરો કોણે લગાડ્યા છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા મોટાભાગના ભાજપ હોદ્દેદારો-કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબહેન ભટ્ટને ત્રીજી વખત રિપટી કરતા જ ભાજપમાં આંતરિક જૂથવાદ હેઠળ તેમની સામે નારાજગીની શરૂઆત કરવામાં આવી છે. સૌથી પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો.જ્યોતિબહેન પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી રંજનબહેન ભટ્ટ વિરુધ્ધ ભ્રષ્ટ્રાચારના આક્ષેપો સાથે વિરોધનું રણશિંગુ ફૂંક્યું હતું. જોકે, જ્યોતિબેને ભાજપા દ્વારા ગણતરીના કલાકોમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પક્ષના આંતરિક રાજકારણમાં વધારો થયો હતો. તેમાં મોડી રાત્રે સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનિષાબહેન વકીલના જન સંપર્ક કાર્યાલયની આસપાસ આવેલ ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા શહેર ભાજપાના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વાહનોથી ધમધમતા અને ધારાસભ્ય મનિષાબહેન વકીલના જન સંપર્ક કાર્યાલયની આસપાસ આવેલી સોસાયટીની બહાર વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા લાગેલા બેનરો આજે સવારે સંગમ રોડ ઉપરથી પસાર થતાં શહેરીજનોએ ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં રંજનબહેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા લાગેલા બેનરોની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં કેટલાંક વિરોધી જૂથ અને સમર્થક જૂથો દોડી આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, સંગમ રોડ ઉપર અનેક જગ્યાએ સીસી ટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. ત્યારે સંગમ રોડ ઉપર ભાજપાના ઉમેદવાર વિરૂધ્ધ લાગેલા બેનરો ક્યારે લાગ્યા? કોણે લગાવ્યા? તે અંગે ચૂંટણી પંચ ના ફ્લાયિંગ સ્કોડ અને પોલીસે સ્થળ પર પહોંચી જઈને તપાસ શરૂ કરી હતી. સાથે સાથે ભાજપના ઉમેદવારના કેટલાંક અંગત સમર્થકો દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની સામે નારાજગી હોવાનું દર્શાવવા પાછળ પક્ષમાં જ આંતરિક રાજકારણ ખેલાઈ રહ્યું હોવાની ચર્ચા છે.