NEET ની પરીક્ષામાં ચોરી માટે વિદ્યાર્થીઓના નામ મોકલનાર રોય ઓવરસીઝની ઓફિસ સીલ, કોણ છે સંચાલક
વડોદરાઃ નીટની પરીક્ષામાં ચોરીના પ્રકરણમાં જેની સામે ફરિયાદ નોંધાઇ છે તે વડોદરાનો મેડિકલ એડમિશન કન્સલટન્ટ પરશુરામ રોયને વડોદરા પોલીસે ગોધરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.
ગોધરામાં છ વિદ્યાર્થીઓને નીટ ની પરીક્ષામાં ચોરી કરાવવા માટે વિદ્યાર્થી દીઠ રૃ.૧૦ લાખ લેવાનું નક્કી થયું હોવાની ચોંકાવનારી વિગતો ખૂલતાં ગોધરા પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.
આ કૌભાંડમાં વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશન સામે એટલાન્ટિસ હાઇટ્સમાં ચોથા માળે રોય ઓવરસીઝ નામની મેડિકલ સ્ટુડન્ટ માટે એડમિશન કન્સલટન્સી ધરાવતા પરશુરામ બિન્ધનાથ રોયે(સમશેરા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ,છાણી ટીપી-૧૩, વડોદરા)પરીક્ષાર્થીઓની વિગતો મોકલી હોવાની વિગતો ખૂલતાં ગોધરા પોલીસે તાત્કાલિક વડોદરા એસઓજીનો સંપર્ક કર્યો હતો.
એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમ તરત જ રોય ઓવરસીઝની ઓફિસે પહોંચી ગયા હતા અને પરશુરામ રોયને અટકમાં લઇ ગોધરા પોલીસને સોંપવા તજવીજ કરી હતી.મોડીરાતે ગોધરા પોલીસની ટીમ વોદરા આવી હતી અને રોય ઓવરસીઝની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરી ઓફિસ સીલ કરી હતી.