બેન્ક બેલેન્સ ચેક કરવા જતાં ગૃહિણી ઓનલાઇન ઠગાેમાં ફસાઇ, મેનેજરના નામે ઠગે 2.92 લાખ પડાવ્યા
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના જાતજાતના કિસ્સા બની રહ્યા છે અને બેન્ક અધિકારીઓ પણ ગ્રાહકોને મોબાઇલ પર કોઇને પણ બેન્કની ડીટેલ નહિં આપવા માટે કહી રહ્યા છે તેમ છતાં ઓનલાઇન ઠગોની જાળમાં લોકો આસાનીથી ફસાઇ રહ્યા છે.વાઘોડિયારોડની એક ગૃહિણીએ ઓનલાઇન બેલેન્સ ચેક કરવા જતાં આવી જ રીતે રૃ.૨.૯૨ લાખ ગુમાવતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
વાઘોડિયારોડ પર પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા નિશાબેન પ્રેમભાઇએ પોલીસને કહ્યું છે કે,મારા સ્ટેટ બેન્કમાં બે અને ઇન્ડુસઇન્ડ બેન્કમાં એક એકાઉન્ટ છે.ગઇ તા.૧૮મી મે એ ઇન્ડસઇન્ડ બેન્કનું ક્લોઝિંગ બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઢાવવા માટે મેં ગૂગલ પર સર્ચ કરતાં ટોલ ફ્રી નંબર પર વાત થઇ હતી.
ટોલ ફ્રી નંબર પર વાત કરનારે મને કહ્યું હતું કે,તમને હું એક એકાઉન્ટ બનાવી આપું છું.જેમાં તમે દરેક બેન્કના તમારા એકાઉન્ટ જોઇ શકશો.થોડીવાર બાદ મેનેજરનો મારા પર ફરી ફોન આવ્યો હતો અને ડેબિટકાર્ડની પાછળના સીવીવી નંબર માંગતા મેં આપ્યો હતો.તેણે પ્લે સ્ટોરમાંથી એક એપ પણ ડાઉનલોડ કરાવી હતી.ત્યારબાદ એસબીઆઇ યોનો ની એપ પણ ડાઉનલોડ કરાવી હતી.
મહિલાએ કહ્યું છેકે,મેનેજરે મારી પાસે ઓટીપી માંગ્યા હતા અને ત્યારબાદ મારા તમામ એકાઉન્ટમાંથી જુદીજુદી રીતે કુલ રૃ.૨.૯૨ લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા. સાયબર સેલે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
SBI YONOએપ ડાઉનલોડ કરાવી ચાર એકાઉન્ટ ખોલી દીધા
ઓન ઠગાઇ કરતી ગેંગના ચક્કરમાં ફસાઇ ગયેલી મહિલા પાસે ઠગોએ એસબીઆઇ યોનો એપ ડાઉનલોડ કરાવી હતી અને તેમાં ઓડી લોન અગેઇન્સ્ટ એફડી થુ્ર મારફતે જુદાજુદા ચાર એકાઉન્ટ ખોલાવી તેમાં પણ રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.
વારંવાર ઓટીપી માંગતા મહિલાએ કહ્યું, તમે ચીટિંગ કરી રહ્યા છો,ફોન મુકો
ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા મહિલા સાથે વારંવાર વાતચીત કરવામાં આવતી હતી.
મહિલાએ સાયબર સેલને કહ્યું છે કે,બેન્ક મેનેજર ઘડીએ ઘડીએ મારી પાસે ઓટીપી માંગતો હોવાથી મને શંકા થઇ હતી.જેથી મેં તેમને કહ્યું હતું કે,તમે મારી સાથે ચીટિંગ કરી રહ્યા છો.ફોન મૂકી દો.
આ પછી મેં ચેક કરતાં મારા બેલેન્સમાંથી ધડાધડ રકમો ઉપડી ગઇ હતી.જેથી સાયબર સેલે જે બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા છે તેની તેમજ મોબાઇલની ડીટેલ મંગાવી છે.