મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ મકાન માલિક જાગી જતા ચોર પથ્થરમારો કરીને ફરાર
સફેદ કલરની કારમાં ચોરી કરવા આવેલા આરોપીઓની શોધખોળ
વડોદરા,ચોરી કરવાના ઇરાદે આવેલા ચોરને મકાન માલિકે પડકારતા આરોપીઓ પથ્થર મારીને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ આકૃતિ ડૂપ્લેક્સમાં રહેતા સતિષભાઇ રમાકાંતભાઇ મેકડે બેંકમાંથી નિવૃત્ત થયા છે. હાલમાં તેઓ પત્ની સાથે રહે છે. ગત તા.૨જીએ તેઓ સવારે પાંચ વાગ્યે ઘરમાં સૂતા હતા. તે સમયે નજીકમાં જ માણસોનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા. તેઓએ ઘરની બહાર નીકળીને જોતા બે આરોપીઓ ચોરીના ઇરાદે તેમના કંપાઉન્ડમાં આંટા ફેરા મારતા હતા. જેથી, સતિષભાઇએ દોડીને બૂમ પાડતા આરોપીઓ ભાગ્યા હતા. બે પૈકીના એક આરોપીએ પથ્થર મારતા સતિષભાઇને મોંઢા પર ઇજા થઇ હતી. ત્યારબાદ તેઓ સફેદ કલરની એક કારમાં બેસીને ભાગી ગયા હતા. દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા. સતિષભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે ફરિયાદ આપતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.