એન.આર.આઇ. યુવકે લગ્નની ના પાડતા યુવતીએ ઘેનની ગોળીઓ ખાઇ લીધી
યુવતીની ફરિયાદના આધારે પોલીસે એન.આર.આઇ. યુવક અને તેના પિતાની ધરપકડ કરી
વડોદરા,યુવતીને લગ્નનું વચન આપીને શરીર સંબંધ બાંધ્યા પછી ફરી ગયેલા યુવકના કારણે યુવતીએ ઘેનની વધુ પડતી ગોળીઓ લઇ લીધી હતી. સારવાર બાદ યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી એન.આર.આઇ. યુવક અને તેના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વારસિયા વિસ્તારમાં રહેતી યુવતીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અગાઉ યશ પ્રેમકુમાર ભગવાનાની સાથે ટયુશન ક્લાસમાં ભણતી હતી. ત્યારથી અમારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ યશ કેનેડા જતો રહ્યો હતો. ત્યાં તે નોકરી કરતો હતો. વર્ષ - ૨૦૨૨ માં કેનેડાથી વડોદરા પોતાના ઘરે આવ્યો હતો. યશે યુવતીને ફોન કરીને પોતાના ઘરે બોલાવી લગ્નની વાતચીત કરી હતી. આપણે લગ્ન કરવાના છે. તેવું કહીને તેણે યુવતીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ અવાર - નવાર અલગ - અલગ જગ્યાએ યુવતીને બોલાવી શરીર સંબંધ બાંધ્યા હતા. તેના માતા જ્યોતિબેન તથા પિતા પ્રેમકુમારે લગ્ન કરવાના ખર્ચ પેટે ૫૦ લાખની માંગણી કરી હતી. તેઓએ વિઝાના પ્રોસેસ માટે યુવતીના પિતા પાસેથી ૧૦ લાખ લીધા હતા. હાલમાં તેના ભાઇનું લગ્ન હોવાથી તે વડોદરા આવ્યો હતો. તેના ભાઇની સાથે યશના પણ આ યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા. પરંતુ, પારિવારિક મતભેદ થતા યશના યુવતી સાથેના લગ્ન થયા નહતા. યશે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ ત્રણ દિવસ પહેલા ઉંઘની વધુ પડતી ગોળીઓ લઇ લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતી અગાઉ બ્યૂટિ પાર્લરનું કામ કરતી હતી. પરંતુ, હાલમાં તે પણ બંધ છે.
ફરિયાદના આધારે પી.આઇ. એસ.એમ. વસાવાએ યશ અને તેના પિતા પ્રેમકુમાર અને માતા જ્યોતિબેન( રહે. દર્શનમ સેન્ટ્રલ પાર્ક, સયાજીગંજ)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યશના પિતા સ્ટેશનરીનો ધંધો કરે છે.