14 નિર્દોષોનો ભોગ લેનાર હરણી લેકઝોનના વહીવટની ભાગબટાઇઃ1 કરોડના ઇન્વેસ્ટરનો 10 ટકા ભાગ
પકડાયેલો રશ્મિકાન્ત 10 ટકા,ભીમસિંગ અને વેદપ્રકાશ 5-5 ટકાના ભાગીદાર હતા
વડોદરાઃ હરણી તળાવની બોટદુર્ઘટનાના બનાવમાં રૃપિયાની ભાગબટાઇનો કેવી રીતે વહીવટ કરવામાં આવ્યો હતો તેની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.જે મુજબ જોઇએ તો પકડાયેલા ત્રણ આરોપીઓ કુલ ૨૦ ટકાના ભાગીદાર હતા અને તેમનું કુલ ઇન્વેસ્ટમેન્ટ રૃ.બે કરોડ હતું.
વાઘોડિયારોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલી ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકો હરણી લેકઝોનની પિકનિક પર ગયા હતા તે દરમિયાન બોટના બિનઅનુભવી ચાલકે ઝડપથી ટર્ન લેતાં બોટ પલટી ગઇ હતી.જેને કારણે ૧૨ વિદ્યાર્થીઓ,એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર મળી કુલ ૧૪ના મોત નીપજ્યાં હતા.
ઉપરોક્ત બનાવની તપાસ માટે પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે.જેના દ્વારા લેકઝોનના મુખ્ય કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના ત્રણ ભાગીદાર સહિત કુલ છની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે.
પોલીસ લેકઝોનના કોન્ટ્રાક્ટની ભાગબટાઇ અંગે પણ તપાસ કરી છે.જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારા ૧૫ ભાગીદારો માટે ૧૦ ટકાના ભાગ પેટે રૃ.૧કરોડનું રોકાણ નક્કી કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.જે જોતાં પકડાયેલા ભાગીદાર રશ્મિકાન્ત પ્રજાપતિ(નડિયાદ)નું રોકાણ રૃ.૧ કરોડ એટલે કે ૧૦ ટકાનો ભાગ તેમજ અન્ય બે ભાગીદાર ભીમસીંગ કુડીયા રામ યાદવ અને વેદ પ્રકાશ યાદવ (બંને રહે.અમરદીપ હોમ્સ,આજવા રોડ)નું રોકાણ રૃ.૫૦-૫૦ લાખ એટલેકે તેઓ પ-૫ ટકાના ભાગીદાર હોવાની વિગતો ખૂલી છે.પોલીસે તેમના બેન્ક સ્ટેટમેન્ટ અને કરારની વિગતો મેળવવા તજવીજ કરી છે.
પલટી ગયેલી બોટની રેલિંગ પકડીને બોટ પર આવી ગયેલા બાળકો બચી ગયા
હરણી બોટકાંડના બનાવમાં પોલીસ દ્વારા બચી ગયેલા બાળકોની પૂછપરછ જારી રાખવામાં આવી છે.જે દરમિયાન બચી ગયેલા મોટાભાગના બાળકોએ બોટની રેલિંગ પકડી લીધી હોવાની વિગતો જાણવા મળી છે.
હરણી બોટકાંડના બનાવમાં એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામા,ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓની સિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પોલીસની એક ટીમ બચી ગયેલા બાળકોના નિવેદનો લઇ રહી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,બચી ગયેલા બાળકોમાંથી મોટાભાગના બાળકો એવા છે જેમણે ઉંધી પડેલી બોટની રેલિંગ પકડી લીધી હતી.તેઓ બોટની ઉપર આવી જતાં બચી ગયા હતા.આ પૈકી બોટનો હેલ્પર અંકિત પણ ઉંધી પડેલી બોટ પર સૌથી પહેલાં ચડી ગયો હતો અને તેણે કેટલાક બાળકોને ઉપર ચડાવ્યા હતા.
હરણીના મેયર તરીકે ઓળખાતા પરેશ શાહને કોના આશીર્વાદ
બોટ દુર્ઘટનાના બનાવનો માસ્ટર માઇન્ડ પરેશ શાહને ક્યા નેતાના આશીર્વાદ હતા તે મુદ્દે તપાસ થાય તો લાખોના ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
હરણી લેક ઝોનમાં બનેલા મનુષ્યવધના બનાવમાં કોર્પોરેશનની ઘોર બેદરકારી મુખ્ય કારણભૂત હોય તેમ જણાઇ રહ્યું છે ત્યારે લેક ઝોનની ઓફિસમાં વારંવાર મીટિંગો કરવા માટે ક્યા નેતાઓ આવતા હતા તે પણ મુદ્દો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર કાંડમાં કોર્પોરેશને જેનું નામ છુપાવ્યું હતું તે મુખ્ય સૂત્રધાર પરેશ શાહને હરણીના મેયર તરીકે લોકો બોલાવતા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.તે વારંવાર મોટા નેતાઓના નામો સાથે પોતાના હોર્ડિંગ્સ લગાવતો હોવાની પણ માહિતી છે.જેથી તે હાથમાં આવે તો ઘણી જ ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.
હરણી ખાતે પેટ્રોલપંપ ધરાવતા પરેશ શાહ જાણે કોઇ ગંભીર બાબત નથી તેમ તળાવ પર હાજર હતો.પરંતુ પછી તે ભાગી ગયો હતો.જેથી છેલ્લે સુધી તેની સાથે કોણ સંપર્કમાં હતું અને ક્યારે કોની મદદથી ભાગ્યો તે પણ તપાસનો વિષય છે.
પાંચ દિવસ પછી પણ બોટકાંડના મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર
હરણી બોટકાંડની દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ પાંચ દિવસ પછી પણ હાથમાં આવ્યા નથી.
હરણી લેકઝોનમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક બિનિત કોટિયા,ભાગીદાર અને પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલદાસ શાહ, પરેશ શાહ,નિલેશ જૈન વગેરેને પોલીસ શોધી રહી છે.
પોલીસની બે ટીમો જુદાજુદા રાજ્યોમાં તપાસ કરી રહી છે.જેમાં એક ટીમે મુંબઇમાં પણ તપાસ કરી હતી.પરંતુ હજી કોઇ આરોપી હાથ લાગ્યા નથી.