એટીએમમાં રૃપિયા જમા કરાવવા ગયા અને ચોર રિક્ષામાંથી ૨.૪૭ લાખ લઇ ગયા
ઉધારી ચૂકવવા માટે સોનાના દાગીના વેચ્યા : પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૃ કરી
વડોદરા,એટીએમમાં રૃપિયા જમા કરાવવા ગયેલા રિક્ષા ડ્રાઇવરની રિક્ષામાં બોક્સ તોડીને ચોર ૨.૪૭ લાખ ચોરી ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની તપાસ હાથ ધરી છે.
માણેજા રોડ એ.બી.બી. કંપની સામે વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા સુનિલભાઇ ગણપતરાવ ગુંજાલકર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૩૧ મી એ મારે પૈસાની જરૃરિયાત હોવાથી હું તથા મારી પત્ની સોનાના દાગીના અમદાવાદ માણેક ચોક સર્કલ પાસે આવેલ રામદેવ બુલિયન નામની સોનાની દુકાન જેના માલિક રણજીતભાઇ રાજપૂતને વેચ્યા હતા. દાગીના વેચાણના ૩.૭૫ લાખ મને મળ્યા હતા. તે રૃપિયા લઇને હું ઘરે આવી ગયો હતો. મારા ઘરની સામે રહેતા નટવરસિંહ મહિડા ( રહે. વ્રજભૂમિ સોસાયટી, માણેજા) પાસેથી મેં દોઢ લાખ લીધા હતા. જે રૃપિયા પરત આપવાના હતા. તેમજ દુબઇ રહેતા મારા પુત્ર વિપુલે ગોરખનાથ પ્રજાપતિ પાસેથી ૪૭ હજાર, રાહુલ પ્રસાદ પાસેથી ૩૬ હજાર લીધાહતા. જે પરત આપવાના હોવાથી હું ઘરેથી ૨.૪૭ લાખ રોકડા લઇને રિક્ષાના બોક્સમાં મૂકીને ચૂકવવા માટે નીકળ્યો હતો. જ્યારે બાકીના ૮૩ હજાર મેં મારા ખિસ્સામાં મૂક્યા હતા. ગઇકાલે સાંજે છ વાગ્યે ઘરેથી નીકળ્યા પછી ઇવા મોલની સામે આવેલા એટીએમમાં ગયો હતો. મેં ગોરખનાથ પ્રજાપતિના એકાઉન્ટમાં ૪૭ હજાર તથા રાહુલ પ્રસાદના એકાઉન્ટમાં ૩૬ હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ હું એટીએમમાંથી બહાર આવતા રિક્ષાનું બોક્સ તૂટેલી હાલતમાં હતું. તેમાં મૂકેલા ૨.૪૭ લાખ ગાયબ હતા. માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.