શહેરમાં બુધવાર ગોઝારો બન્યો : માર્ગ અકસ્માતમાં પાંચના મોત, બે ઘાયલ
નર્મદા ભવન, કપુરાઇ ચોકડી, અક્ષર ચોક અને વેમાલી હાઇવે પર અકસ્માતના ચાર બનાવ
વડોદરા,શહેરમાં બુધવાર ગોઝારો નીવડયો હતો.માર્ગ અકસ્માતના ચાર બનાવમાં બે મહિલાઓ સહિત પાંચ લોકોના કરૃણ મોત થયા છે. જ્યારે બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે.
તરસાલી સોમનાથ નગરમાં રહેતો વિક્કી દિનેશભાઇ રજવાડી (ઉ.વ.૨૬) ગઇકાલે સોસાયટીના નાકા પાસે મિત્રો સાથે બેઠો હતો. રાતે એક વાગ્યે વિક્કી અને તેનો મિત્ર હરિઓમસિંગ રાજપૂત વિક્કીના બૂલેટ પર ચ્હા પીવા માટે એસ.ટી.ડેપો જવા નીકળ્યા હતા. ચ્હા પીને તેઓ પરત આવતા હતા. તે દરમિયાન નર્મદા ભવન સામે વળાંક પર વિક્કીએ કાબૂ ગુમાવતા બૂલેટ ડિવાઇડર સાથે અથડાતા બંને મિત્રો બેભાન થઇ ગયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વિક્કીને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે હરિઓમસિંગને મોંઢા, ગાલ, કપાળ, હાથ અને પગ પર ઇજા થઇ હતી. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના જગ્ગાખેડી થાનામાં રહેતો રાકેશ લાલુદાસ બૈરાગી ટ્રાન્સપોર્ટમાં બોલેરો જીપ ચલાવે છે. ગત તા.૧૨મી એ સાંજે રાકેશ જીપમાં લસણ ભરીને તેના મિત્ર અર્જુનસિંહ ઠાકોર સાથે વાપી જવા નીકળ્યો હતો. વાપીમાં લસણ ખાલી કરીને સુરત અને કિમથી સામાન ભરીને તેઓ પરત મધ્યપ્રદેશ આવવા નીકળ્યા હતા. ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે કપુરાઇ બ્રિજ પર ઓવરટેક કરવા જતા આગળ જતા ટ્રેલરમાં જીપ પાછળથી ઘુસી જતા રાકેશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અર્જુનસિંહને સામાન્ય ઇજા થઇ હતી. જે અંગે વાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોકરીથી ઘરે આવતા વીજ કંપનીના કર્મચારીનું મોત
વડોદરા,ડભોઇ રોડ સોમા તળાવ પાસે શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા અનિલભાઇ કાંતિલાલ ભગોરા તારાપુર ખાતે વીજ કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે તેઓ નોકરી પરથી બાઇક લઇને ઘરે આવવા માટે તારાપુરથી સાંજે નીકળ્યા હતા. રાતે નવ વાગ્યા સુધી તેઓ ઘરે પરત નહીં આવતા તેમની પત્નીએ કોલ કરતા ફોન એમ્બ્યુલન્સના એટન્ડન્ટે ઉપાડયો હતો. તેણે જણાવ્યું હતું કે, અનિલભાઇને વેમાલી બનિયન પેરેડાઇઝ હોટલ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ છે. અનિલભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે તેઓનું મોત થયું હતું. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેંદીનો ઓર્ડર પૂરો કરીને ઘરે આવતી બે બહેનપણીઓના મોત
અક્ષર ચોક પાસે અવાર - નવાર અકસ્માત અને ટ્રાફિક જામ થાય છે
વડોદરા,ન્યુ વી.આઇ.પી.રોડ શિલ્પ ગ્રીનમાં રહેતા મલ્હાર પ્રફુલ્લચંદ્ર વ્યાસ હાલોલ ખાતે આવેલી સનફાર્મા કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેમની પત્ની ચાંદની (ઉ.વ.૩૨) આર્ટિસ્ટ તરીકેનું કામ કરે છે. તેઓને સંતાનમાં ત્રણ વર્ષનો દીકરો છે. ગત તા.૧૩મી ડિસેમ્બરે ચાંદની તથા તેમની બહેનપણી માહેનૂર અસલમમીંયા શેખ , ઉ.વ.૧૯, (રહે.પટેલ ફળિયું, યાકુતપુરા) મહેંદીના ઓર્ડર માટે મોપેડ લઇને પાદરા ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે અક્ષર ચોક પાસે એક મિલર ( કોંક્રીટ મિક્સર) મશીનવાળી ગાડીએ મોપેડને પાછળથી ટક્કર મારતા બંને બહેનપણીઓ રોડ પર ફંગોળાઇને પડતા તેઓને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બંનેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.